Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નોટબંધી 2.0ને લીધે ભાજપ ઘેરાયો : ખુલાસો કરવા મજબૂર, શું નોટબંધી ફ્લોપ રહી?

  • May 21, 2023 

ભારતીય રિઝર્વ બેંકે 78 મહિના પછી જ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી દીધી. આરબીઆઈના આ નિર્ણય બાદ વિપક્ષ અને સોશિયલ મીડિયા યુઝર્સ નોટબંધી પર સવાલ ઉઠાવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ભારતના પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે નોટબંધીને મૂર્ખ નિર્ણય ગણાવતા કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ચિદમ્બરમે કહ્યું કે સરકાર હવે 1000 રૂપિયાની નોટ ફરીથી પરત લાવી શકે છે. અટલ સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા યશવંત સિન્હાએ રૂ. 2000ની નોટો પાછી ખેંચી લેવાના નિર્ણયને મૂર્ખામીભર્યો ગણાવ્યો હતો.

નોટબંધી 2.0ને લીધે ભાજપ ઘેરાયો, ખુલાસો કરવા મજબૂર

કોંગ્રેસે પણ નોટબંધીને ખોટો નિર્ણય ગણાવ્યો છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢીને કવરઅપ ગણાવતા તપાસની માંગ કરી છે.  જ્યારે આરબીઆઈના આ આદેશને સત્તાધારી ભાજપ દ્વારા કાળા નાણાં પર બીજી મોટી સર્જિકલ સ્ટ્રાઈક કહેવામાં આવી છે. બીજેપી સાંસદ અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ કહ્યું છે કે કાળા નાણા પર આ બીજી સર્જિકલ સ્ટ્રાઈક છે, જેના કારણે બાકીનું કાળું નાણું પણ બહાર આવશે. સુશીલ મોદીએ ડિસેમ્બર 2022માં જ 2000ની નોટો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

મોદી સરકારે નોટબંધી કેમ કરી હતી?

8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. તે સમયે 500-1000ની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. સરકારે તેની પાછળનું કારણ ભ્રષ્ટાચાર ખતમ કરવાને ગણાવ્યું હતું બાદમાં મોદી સરકારે પણ નોટબંધીનું કારણ જણાવતા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. નવેમ્બર 2022માં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે નોટબંધીને ખોટો નિર્ણય ન કહી શકાય. કેન્દ્રએ કહ્યું કે વડાપ્રધાને આરબીઆઈના સૂચન પર જ આની જાહેરાત કરી હતી. RBI 6 મહિના પહેલાથી જ નોટબંધીની તૈયારી કરી રહી હતી. સરકારે સુપ્રીમ કોર્ટને આપેલા સોગંદનામામાં કહ્યું - નોટબંધી એ એક મોટી વ્યૂહરચનાનો ભાગ હતો અને નકલી ચલણ, આતંકી ફન્ડિંગ, કાળું નાણું અને કરચોરીની સમસ્યાઓનો સામનો કરવા માટે એક અસરકારક પગલું હતું. મોદી સરકારે નોટબંધીને નીતિગત નિર્ણય ગણાવ્યો હતો.

2000 રૂપિયાની નોટ પર શરૂઆતથી જ પ્રશ્નો ઊઠી રહ્યા હતા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 500-1000ની નોટ બંધ કર્યા બાદ 2016માં 500-2000ની નોટો ચલણમાં લાવી હતી. ગુલાબી કલરની 2000ની નોટ પર શરૂઆતથી જ સવાલો ઉઠી રહ્યા હતા. નિષ્ણાતોએ આગાહી કરી હતી કે આનાથી કાળા નાણાને વધુ પ્રોત્સાહન મળશે. 9 નવેમ્બર 2016ના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2000ની નોટને લઈને એક ટ્વિટ કર્યું હતું, જે હવે વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં રાહુલ ગાંધીએ મોદી સરકારને સવાલ કર્યો હતો કે 1000 પર પ્રતિબંધ લગાવીને 2000 કરી દેવાથી કાળા નાણાનું સંગ્રહ કેવી રીતે અટકશે? દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે પણ 2000ની નોટ લાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. રાયે કહ્યું હતું કે 2000ની નોટ ભ્રષ્ટાચારને વધુ વેગ આપશે.

2000ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય કેમ લેવો પડ્યો, નોટબંધી નિષ્ફળ રહી? આ રહ્યા કારણો...

સાત વર્ષ બાદ સરકારે RBI દ્વારા નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. વિપક્ષો તેને જોરદાર નિર્ણયને જગ્યાએ બકવાસ નિર્ણય ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે આ નિર્ણય પાછળનો અર્થ શું છે? જે તમને આ 4 પોઈન્ટ પરથી ખ્યાલ આવશે. આ મુખ્ય કારણો હોઈ શકે છે નોટબંધી 2.0 કરવાના.

1. નકલી નોટોનું સર્ક્યુલેશન ઘટવાની જગ્યાએ વધી ગયું 

કેન્દ્ર સરકારે નોટબંધી પાછળનું સૌથી મોટું કારણ ફેક કરન્સી એટલે કે નકલી નોટોને જણાવ્યું હતું. સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 40 કરોડ કર્મચારીઓ રોકડ પર નિર્ભર છે, જેના કારણે નકલી નોટોનો પ્રભાવ ઘણો વધી ગયો છે. નોટબંધી બાદ કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2015માં 43.83 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. અન્ય સરકારી આંકડા મુજબ, 2012-2014ના ત્રણ વર્ષમાં રૂ. 136 કરોડની નકલી ચલણ જપ્ત કરવામાં આવી હતી. જે વાર્ષિક સરેરાશ 45 કરોડ હતી. નોટબંધી પછી નકલી ચલણ પર અંકુશની આશા હતી, પરંતુ અહેવાલ આશ્ચર્યજનક છે. NCRBએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે નોટબંધીના આગામી  વર્ષે એટલે કે 2017માં 55.71 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર 2018માં 26.35 કરોડ રૂપિયા, 2019માં 34.79 કરોડ રૂપિયા, 2020માં 92.17 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જો જપ્ત કરાયેલી નકલી નોટોના કુલ આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો ખ્યાલ આવશે કે નોટબંધી પછી દર વર્ષે સરેરાશ રૂ. 52 કરોડથી વધુ જપ્ત કરાયા છે.

2. ફંડિંગ રોકવા નોટબંધીનો નિર્ણય લેવાયો પણ આતંકવાદને કોઈ ફેર ન પડ્યો 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે નોટબંધીનો એક ઉદ્દેશ્ય ટેરર ફંડિંગ રોકવાનો હતો. આતંકવાદીઓ હવાલા દ્વારા કાળા નાણાંનો ઉપયોગ કરીને ભારતમાં ઘટનાઓને અંજામ આપતા હતા. સરકારે કહ્યું હતું કે ટેરર ફંડિંગ બંધ કર્યા પછી આતંકવાદી ઘટનાઓની સંખ્યામાં ઘટાડો થશે, પરંતુ એવું થયું નહીં. સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલે આતંકવાદી ઘટનાઓના આંકડાઓના આધારે જમ્મુ-કાશ્મીર પર એક સ્ટડી રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, 2014માં કાશ્મીરમાં આતંકવાદની 222 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં 28 નાગરિકોના મોત થયા હતા. 2015માં 208 ઘટનાઓ બની હતી અને 17 નાગરિકોના મોત થયા હતા. વર્ષ 2016માં નોટબંધી થઈ હતી, તે વર્ષમાં 322 ઘટનાઓ બની હતી અને 15 નાગરિકોના મોત થયા હતા. જ્યારે બીજી બાજુ નોટબંધીના એક વર્ષ બાદ આતંકવાદની ઘટનાઓ ઘટવાને બદલે વધી હતી. 2017માં 342 આતંકી ઘટનાઓ બની, જેમાં 40 નાગરિકોના મોત થયા હતા. 2018માં આ આંકડો વધુ વધ્યો. 2018માં 614 ઘટનાઓમાં 39 લોકોના મોત થયા હતા. નક્સલવાદી ઘટનાઓમાં પણ બહુ ઘટાડો થયો નથી. વર્ષ 2015માં નોટબંધી પહેલા 3 મોટી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો, જ્યારે 2016માં આ સંખ્યા 6 પર પહોંચી હતી. નોટબંધીના આગલા વર્ષે એટલે કે 2017માં નક્સલવાદીઓએ દેશભરમાં 9 મોટી ઘટનાઓને અંજામ આપ્યો હતો. 2018માં આ આંકડો 21 પર પહોંચ્યો હતો.

3. મની લોન્ડરિંગના મામલામાં જપ્તી પણ વધી

કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચારને રોકવાના હેતુથી નોટોમાં ફેરફાર કર્યો હતો, પરંતુ તે બહુ અસરકારક સાબિત ન થયો. ઈડી દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર વર્ષ 2017-18માં મની લોન્ડરિંગ કેસમાં 992 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. 2018-19માં આ આંકડો વધીને 1567 કરોડ થયો હતો. 2019-20માં 1290 કરોડ, 2020-21માં 880 કરોડ અને 2021-22માં 1159 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. EDની કાર્યવાહીમાં જપ્ત કરાયેલા પૈસાની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી વખત હેડલાઇન્સ બની છે.

4. ભાજપના સાંસદે ઉઠાવ્યા હતા સવાલ

12 ડિસેમ્બર, 2022ના રોજ સંસદના શિયાળુ સત્રના શૂન્યકાળ દરમિયાન ભાજપ સાંસદ સુશીલ મોદીએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની માંગ કરી હતી. મોદીએ રાજ્યસભામાં કહ્યું- દેશમાં લોકો પાસે મોટા પાયે 2000ની નોટો જમા થઈ છે. તેનો ઉપયોગ માત્ર ગેરકાયદેસર વેપાર માટે થઈ રહ્યો છે. સુશીલ મોદીએ વધુમાં દાવો કર્યો હતો કે ડ્રગ્સ, મની લોન્ડરિંગ, ક્રાઈમ અને ટેરર ફંડિંગ જેવા મોટા ગુનાઓમાં 2000 રૂપિયાની નોટનો અંધાધૂંધ ઉપયોગ થઈ રહ્યો છે. એટલા માટે સરકારે તેને પાછી ખેંચવાનું વિચારવું જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application