Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં ‘બિપોરજોય’ વાવાઝોડાનાં કારણે તારીખ 15 જુન સુધી ભાજપની જાહેર સભાઓ મોકૂફ

  • June 12, 2023 

ગુજરાતનાં માથે બિપોરજોય વાવાઝોડાની અસર મંડરાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. તે ઉપરાંત દરિયાકાંઠાની નજીકમાં રહેતાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ વિભાગે કચ્છની સ્કૂલમાં રજા જાહેર કરી છે. ત્યારે ભાજપે પણ પોતાના નિર્ધારિત કાર્યક્રમો મોકૂફ કરવાની જાહેરાત કરી છે. આજથી તારીખ 15 જૂન સુધી ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સરકારનાં 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપની ઠેર ઠેર સભાયો યોજાવાની હતી. જે બિપોરજોય વાવાઝોડાનાં કારણે મોકૂફ રાખવામાં આવી છે.


રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બિપોરજોય વાવાઝોડાને લઈને આજે બેઠક કરશે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં ઠેર ઠેર કેન્દ્ર સરકારના કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ દ્વારા બેઠકો શરૂ કરવામાં આવી છે. જેમાં છેલ્લા 9 વર્ષમાં મોદી સરકારે કરેલા કામોની માહિતી આપવામાં આવી રહી છે. આ માટે કેન્દ્રીય તથા રાજ્યના મંત્રીઓ લોકોની સમક્ષ સભાઓ ગજવી રહ્યાં છે. પરંતું રાજ્યના માથે બિપોરજોય વાવાઝોડાનો ખતરો હોવાથી આ સભાઓ મોકૂફ રાખવાની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.


વાવાઝોડાનાં રૌદ્ર રૂપને જોતા ગુજરાતનાં અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં જખૌ, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.  કોટેશ્વર-નારાયણસરોવર બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. મંદિર દરિયા નજીક હોવાથી આ નિર્ણય લેવાયો છે. કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ છે.


કચ્છના જખૌ બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લાગવામાં આવ્યું છે. જામનગર શહેર અને જિલ્લામાં સંભવિત વાવાઝોડાના પગલે કોઈ જાનહાની સર્જાય, અથવા તો આપત્તિ જનક સ્થિતી બને, તો તેવી સ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એન.ડી.આર.એફ. અને એસ.ફી.આર.એફ.ની બે ટીમોને જામનગર જિલ્લામાં મોકલી અપાઇ છે અને જામનગર જિલ્લાનાં વહીવટી તંત્ર પાસે ટીમને સજજ બનાવીને તૈયાર રાખવામાં આવી છે.

જામનગર જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના પગલે આપત્તિ જનક સ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જયારે રાજ્ય સરકાર દ્વારા આજે એન.ડી.આર.એફ. અને એસડી.આરએફની ૩૦ સભ્યો સાથેની ટુકડીને મોકલવામાં આવી હતી, અને આ ટુકડીનું જામનગરમાં આગમન થઈ ગયું છે, અને જિલ્લાના વહીવટી તંત્ર સમક્ષ સાધન સામગ્રી સાથેની ટીમને તૈનાત રાખવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News