ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે,ત્યારે એ પહેલા ગુજરાતમાં રાજકીય પક્ષોમાં પક્ષ પલટાની વાતો સામે આવતી રહે છે. ત્યારે હવે ભાજપને ચૂંટણી પૂર્વે ઝટકો લાગ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ રવિવારે કોંગ્રેસમાં જોડાયા હતા.
બાલકૃષ્ણ પટેલે દાવો કર્યો હતો કે તેમની સખત મહેનત અને પ્રતિબદ્ધતા હોવા છતાં,તેઓને શાસક પક્ષ ભાજપમાં સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના ગુજરાત એકમના પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે 66 વર્ષીય રાજકારણી બાલકૃષ્ણ પટેલનું પાર્ટીના મુખ્યાલયમાં કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું.જણાવી દઈએ કે બાલકૃષ્ણ પટેલ 2012 થી 2017 સુધી વડોદરા જિલ્લાની ડભોઈ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતા. તેઓ 2012માં કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા.
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે,મેં જિલ્લા અને તાલુકા સ્તરે ભાજપને મજબૂત કરવા માટે ઘણા વર્ષોથી સખત મહેનત કરી હતી. મને 2017ની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી ન હતી જોકે હું તે સમયે સીટીંગ ધારાસભ્ય હતો. મહત્ત્વની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મારા પુત્રને પણ ટિકિટ આપવામાં આવી નથી. મેં ભાજપ છોડી દીધું છે કારણ કે મારી સતત અવગણના કરવામાં આવી રહી હતી.વર્ષ 2017માં ડભોઈ બેઠક પરથી ભાજપના શૈલેષ મહેતા કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલને હરાવીને ચૂંટાયા હતા. બાલકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે તેઓ આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાને અથવા તેમના પુત્ર માટે ટિકિટની આશા રાખ્યા વિના કોંગ્રેસમાં જોડાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500