કર્ણાટક વિધાનસભાના પરિણામો જાહેર થઈ ગયા છે અને સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસની જીત થઈ છે. શનિવારે સાંજે 8 વાગ્યા સુધીમાં જે પરિણામો જાહેર થયા છે તે મુજબ કોંગ્રેસની 133 બેઠકો પર જીત થઈ છે જ્યારે 3 સીટ પર તે આગળ ચાલી રહી છે. ભાજપે આ ચૂંટણી માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ પરિણામ તેમના પક્ષમાં ન આવતા ભાજપ 65 સીટો પર સમેટાઇ હતી. ભાજપે કર્ણાટક વિધાનસભામાં હાર સ્વીકારી છે.
મતગણતરી દરમિયાન શરૂઆતથી જ કોંગ્રેસ આગળ ચાલી રહી હતી. બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થયું હતું અને કોંગ્રેસ જીતશે તે નિશ્ચિત બન્યું હતું. કર્ણાટક સહિત દેશભરમાં કોંગ્રેસ કાર્યાલયમાં જશ્ન મનાવવામાં આવ્યું હતું. કોંગ્રેસે બેંગલુરુની 5 સ્ટાર હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરાવ્યા છે. વિજેતા ધારાસભ્યોને રાત્રે 8 વાગ્યા સુધીમાં હોટલ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. જોકે આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળશે.
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને અભિનંદન આપ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે મારી તેમને શુભેચ્છાઓ. કર્ણાટક ચૂંટણીમાં જેમણે અમારું સમર્થન કર્યું છે તે તમામનો હું આભાર માનું છું. હું ભાજપના કાર્યકર્તાઓની મહેનતની પ્રશંસા કરું છું. આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ જોરશોરથી કરીશું.
દેશને જોડનારી રાજનીતિની જીત થઈ છે - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાજ્યના લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ રાજનીતિની જીત છે જે દેશને એક કરે છે. તેમણે કહ્યું કે કર્ણાટક કોંગ્રેસના તમામ મહેનતુ કાર્યકરો અને નેતાઓને મારી શુભકામનાઓ. તમારા બધાની મહેનત રંગ લાવી. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકના લોકોને આપવામાં આવેલી ગેરંટીનો અમલ કરવા માટે સંપૂર્ણ સમર્પણ થઈને કામ કરશે. જય કર્ણાટક, જય કોંગ્રેસ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500