Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં ભાજપના ઉમેદવાર અને દેડીયાપાડામાં આપ પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર

  • December 09, 2022 

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાયેલી ચૂંટણીના મતદાનની મત ગણતરી આજે તા.૦૮ મી ડિેસેમ્બર,૨૦૨૨ ને ગુરૂવારના રોજ રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે હાથ ધરાઇ હતી. જેમાં નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. દર્શના ચંદુભાઇ દેશમુખ (વસાવા) ને સૌથી વધુ ૭૦,૫૪૩ મત અને દેડીયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઇ દામજીભાઇ વસાવાને સૌથી વધુ ૧,૦૩,૪૩૩ મત મળતા તેઓ વિજેતા જાહેર થયેલ છે.




નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ રાજપીપલામાં ઉક્ત મત ગણતરી કેન્દ્ર ખાતે નાંદોદ બેઠકની મત ગણતરી માટે નિમાયેલા કેન્દ્રીય ચૂંટણીપંચના નિરીક્ષકશ્રી ટી.વી સુભાષ અને દેડીયાપાડા બેઠકની મત ગણતરી માટે નિમાયેલા નિરીક્ષક ઉમેશ પ્રકાશ શુકલાના નિરીક્ષણ હેઠળ અને બન્ને બેઠકના ચૂંટણી અધિકારીઓ અનુક્રમે શૈલેષ ગોકલાણી તથા આનંદ ઉકાણીની ઉપસ્થિતિમાં આજે નાંદોદ માટે ૨૨ રાઉન્ડમાં અને દેડીયાપાડા માટે ૨૩ રાઉન્ડમાં મત ગણતરીની કામગીરી કરવામાં આવી હતી.




નર્મદા જિલ્લાની ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની બેઠકની મત ગણતરીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. દર્શના ચંદુભાઇ દેશમુખ (વસાવા) ને કુલ-૭૦,૫૪૩ મત, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર હરેશભાઇ જયંતિભાઇ વસાવાને કુલ-૪૨,૩૪૧ મત, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. પ્રફુલભાઇ દેવજીભાઇ વસાવાને કુલ-૨૪,૪૬૩ મત, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર મહેશભાઇ સરાદભાઇ વસાવા (મનાભાઇ) ને કુલ-૧,૭૦૪ મત અને અપક્ષ ઉમેદવાર હર્ષદભાઇ ચુનીલાલ વસાવાને કુલ-૩૫,૩૬૨ મત મળેલ છે જ્યારે નોટાને ૩,૧૦૪ મત મળેલ છે અને ૨૮૦ મત રદ થયેલ હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે.




તેવી જ રીતે દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની બેઠકમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર જેરમાબેન સુકલાલ વસાવાને કુલ-૧૨,૫૮૭ મત, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઇ વસાવાને કુલ-૬૩,૧૫૧ મત, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઇ દામજીભાઇ વસાવાને કુલ-૧,૦૩,૪૩૩ મત અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર શ્રી બહાદુરસીંગ દેવજીભાઇ વસાવાને કુલ-૨,૯૯૧ મત મળેલ છે. જ્યારે નોટાને ૨,૯૭૪ મત મળેલ છે અને ૭૬૧ મત રદ થયેલ હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application