Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાઇન લેંગ્વેજ દ્વારા મતદાન કરવાનો સંદેશ પાઠવતા તાપી જિલ્લાના જાગૃત મુકબધિર મતદારો

  • November 23, 2022 

તાપી જિલ્લામાં જાગૃત મતદારો સૌ માટે ઉદાહરણરૂપ બની રહ્યા છે. જેમાં જિલ્લાના મુકબધિર જાગૃત મતદાર બિજલ ગામીત અને અરવિંદભાઇ ચૌધરી સાઇન લેંગ્વેજ તથા અંધ મતદાર સુમન ગામીતે તમામ મતદારોને જેમાં ખાસ કરીને દિવ્યાંગ મતદારોને આહવાન કરતા આગામી તા.૧લી ડિસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. જેમાં મુકબધિર જાગૃત મતદાર બિજલ પંકજભાઇ ગામીતે સાઇન લેંગ્વેજમાં જણાવ્યું હતું કે, મારૂ નામ બિજલ પંકજભાઇ ગામીત, વ્યારા તાલુકાની રહેવાસી છું. પહેલી તારીખે વિધાનસભાની ચૂંટણીમા મતદાન કરવાનું ભુલી ન જતા અચુક મતદાન કરજો એમ જણાવ્યું હતું.



તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાંથી ગઇ કાલે મારા પિતાને ફોન કરીને અમને મતદાન માર્ગદર્શન કેન્દ્ર ખાતે બોલાવવામાં આવ્યા હતા. હું અહીં આવી તો મને મતદાન પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી. અહીં અમને મતદાન મથકે અલગ અલગ ઓળખ પત્રોમાંથી કોઇ પણ એક ઓળખપત્ર સાથે લઇ જવા અને ફરજિયાત મતદાન પ્રક્રિયામા જોડાવા આહવાન કર્યું હતું. ડોલવણ તાલુકો બેડચીત ગામના રહેવાસી મુકબધિર જાગૃત મતદાર અરવિંદભાઇ કાંતિલાલ ચૌધરી પણ વધુમાં જણાવ્યું હતું કે, આપણે સૌએ મતદાન અવશ્ય કરવું જોઇએ.



તા.૧લી ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીમાં આપણે સૌ દિવ્યાંગો મતદાન કરી આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ એમ અપીલ કરી હતી. સોનગઢ તાલુકાના મોંઘવણ ગામના અંધ જાગૃત મતદાર  સુમનભાઇ ગામીતે આ કેન્દ્ર ખાતે આપવામાં આવતી માહિતી અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આગામી ઇલેક્શન માટે અમને દિવ્યાંગ ભાઇઓ બહેનોને તાલીમ આપવામા આવી હતી કે કેવી રીતે મતદાન કરવું, કયા કયા આધર પુરાવા લઇ જવા, તેના માટે અમને અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું છે.



અંધ ભાઇઓ-બહેનો માટે બેઇલ લીપીના ઉપયોગથી મતદાન કરવા અંગે તથા અંધ મતદારો સહિત દિવ્યાંગોને કોઇ તકલીફ ન પડે તે માટે અધિકારીની પણ નિમણૂંક કરવામાં આવી છે. તાપી જિલ્લાના તમામ દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા બુથ ઉપર કરવામાં આવી છે. ત્યારે દરેક ભાઇ-બહેનને હું વિનંતી કરૂં છું કે, તાપી જિલ્લાનાં તમામ દિવ્યાંગોને આ લોકશાહીનાં પર્વમાં મતદાન કરવા અપીલ કરૂં છું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં દિવ્યાંગોનુ મતદાન સુગમ્યતાપૂર્ણ થાય તે અર્થે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ દિવ્યાંગો જેવા કે, સાંભળવાની ક્ષતિ, અસ્થિવિષયક (હલન-ચલન ક્ષતિ), અલ્પ દ્રષ્ટી, પ્રજ્ઞાચક્ષુની હાજરીમાં જિલ્લાના PWDના નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બૂથ કક્ષાએ દિવ્યાંગો સરળતાથી મતદાન કરી શકે તે માટે ત્યાં આપવામાં આવતી સુવિધાઓથી અવગત કરવામાં આવ્યાં હતાં.



તેમજ મુકબધિર મતદાતાઓને સાંકેતિક ભાષાનું જ્ઞાન ધરાવતાં મુકબધિર શાળા નવસારીના શિક્ષક રાજેંદ્રકુમાર જે. પટેલ દ્વારા સાંકેતિક ભાષા દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત દ્રષ્ટીહિન મતદાતાઓ માટે બ્રેઈલ લિપિ દ્વારા માર્ગદર્શન પૂરુ પાડવામાં આવેલ હતું. જિલ્લામાં ચૂંટણીમાં દિવ્યાંગો તેમનું મતદાન વધુમાં વધુ કરે અને લોકશાહીના પર્વને ઉત્સાહ પૂર્વક આવકારે તેવી વ્યવસ્થા ગોઠવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દિવ્યાંગ મતદારો માટે બુથ પર રેમ્પ, બ્રેઇલ લીપી, હેલ્પર, વ્હિલચેર જેવી વિવિધ સુવિધાઓ આ સાથે અન્ય કોઇ પણ મુશ્કેલી માટે BLO મદદમાં રહેશે.



જિલ્લા PWD નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનાં નેતૃત્વ હેઠળ દિવ્યાંગો અને વૃધ્ધો માટે ચૂંટણી સંબંધિત માહિતી માટે માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. દિવ્યાંગોને મતદાન મથકે આપવામાં આવતી વિવિધ સુવિધા અંગે સૌ કોઈ અવગત થાય તે અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નં.૪, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવાસદન, પાનવાડી તા.વ્યારા, જી.તાપી, ફોન નંબર ૦૨૬૨૬-૨૨૨૨૧૦ ખાતે માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેનો લાભ તાપી જિલ્લાના તમામ દિવ્યાંગો લઇ રહ્યા છે.




અત્રે નોંધનિય છે કે, તાપી જિલ્લાનાં ૨૧ યુનિક મતદાન મથકોમાંથી બે મતદાન મથકો સંપુર્ણ દિવ્યાંગો દ્વારા સંચાલિક મતદાન મથકો છે. જેમાં ૧૭૧-વ્યારા અંતર્ગત ૭૪-વ્યારા-૧૬ મતદાન મથક અને ૧૭૨-નિઝર અંતર્ગત ૨૧૯-સોનગઢ-૨ મતદાન મથક સંપુર્ણ દિવ્યાંગો દ્વારા સંચાલિક મતદાન મથકો છે. તાપી જિલ્લામાં કુલ-૩૦૧૫ દિવ્યાંગ મતદારો છે. જેમાં ૧૫૨૦ પુરુષ દિવ્યાંગ મતદારો અને ૧૪૯૫ મહિલા દિવ્યાંગ મતદારો છે. એમ જિલ્લા PWD નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નિર્મલ ચૌધરી દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application