અમેરિકામાં વંશીય ભેદભાવનાં કારણે ભારતીય મૂળનાં નાગરિકો પર હુમલાની ઘટનાઓ વધી છે. એવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતી મૂળનાં ભરત પટેલને એક રીઢા ગુનેગારે નિશાન બનાવીને છરીથી હુમલો કર્યો હતો. ન્યૂયોર્કમાં ઈજાગ્રસ્ત ભરત પટેલને એ વખતે કોઈએ મદદ પણ કરી ન હતી. ન્યૂયોર્કના લોઅર ઈસ્ટસાઈડમાં ફૂડ ડિલિવરી એપ ઉબર ઈટ્સમાં ડિલિવરી મેનનું કામ કરનારા ગુજરાતી મૂળના ભરત પટેલ પર હુમલો થયો હતો. જોકે શોન કૂપર નામના આરોપીએ છરીથી ભરત પટેલને ઈજાગ્રસ્ત કર્યા હતા.
આ આરોપીની અગાઉ 100થી વધુ વખત અલગ અલગ ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. તે ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. થોડા સમય પહેલાં જ જામીન પર છૂટયા બાદ તેણે આ હુમલો કર્યો હતો. હુમલો કરીને ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ભરત પટેલે કહ્યું હતું કે, હુમલાખોરે એક પણ શબ્દ બોલ્યા વગર તેના પર છરીના ઘા ઝીંક્યા હતા. કોઈ જ ડિમાન્ડ કરી ન હતી. પૈસા જોઈએ છે કે બીજું કંઈ જોઈએ છે એવા કોઈ લૂંટનો ઈરાદો બતાવ્યો ન હતો.
માત્ર નજીક આવીને અચાનક છરીના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આસપાસનાં લોકોમાંથી કોઈએ તેની મદદ કરી ન હતી. લોકો માત્ર તમાશો જોતા રહ્યા હતા. પોલીસ પણ નજીકમાં ક્યાંક હાજર ન હતી. એ મને મારી નાખવા જ આવ્યો હતો, પરંતુ મને એનું કારણ ખબર નથી. આ હુમલો વહેલી સવારે થયો હતો. એ પછી 9-11માં ફોન કરીને ભરત પટેલે હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે, તેને ઈજા થઈ છે, પરંતુ બીજો કોઈ ખતરો નથી. પોલીસના કહેવા પ્રમાણે આ અંગે આરોપીને પકડીને તપાસ હાથ ધરાઈ છે. હુમલો વંશીય દ્વેષથી થયો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500