તાતા જૂથ સરકારી એરલાઈન એર ઈન્ડિયાને ફરીથી પોતાની બનાવવા માટે 69 વર્ષથી જેની રાહ જોઈ રહ્યું હતું. તે સમય આખરે આવી ગયો. ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને સરકાર પાસેથી ઔપચારિક હેન્ડઓવર લેતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી તેઓ એર ઈન્ડિયાના મુખ્યાલય પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારને અંતિમ પેમેન્ટ મળી ગયા પછી ગુરુવારે એર ઈન્ડિયાના હેન્ડઓવરની ઔપચારિક પ્રક્રિયા પૂરી કરાઈ હતી. લગભગ 69 વર્ષ પહેલાં ટાટા ગૃપ પાસેથી એર ઈન્ડિયા કંપની લઈ લીધા પછી આ એરલાઈન ફરીથી ટાટા ગ્રુપને સોંપી દેવાઈ છે.
એર ઈન્ડિયાના હસ્તાંતરણ પછી ટાટા જૂથે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર સાથે એર ઈન્ડિયાની ખરીદી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ટાટા જૂથે આજથી મેનેજમેન્ટ અને કંટ્રોલ પોતાના હાથમાં લેવાનું શરૂ કર્યું છે. ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને આ અંગે આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, ટાટા જૂથ એર ઈન્ડિયાને વર્લ્ડ-ક્લાસ એરલાઈ બનાવવા અને એર ઈન્ડિયાનો સુવર્ણ યુગ ફરી પાછો લાવવા માટે કટિબદ્ધ છે. તેમણે એર ઈન્ડિયાના બધા જ કર્મચારીઓનું ટાટા જૂથમાં સ્વાગત કર્યું હતું.વડાપ્રધાન કાર્યાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની તસવીર શેર કરી હતી. આ મુલાકાત દરમિયાન ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને એર ઈન્ડિયાના હસ્તાંતરણ અને આગળની કામગીરી અંગે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. આ હસ્તાંતરણની પ્રક્રિયા સાથે એર ઈન્ડિયાનું વર્તમાન બોર્ડ રાજીનામું આપશે. ત્યાર પછી ટાટા જૂથ દ્વારા નોમિનેટ લોકો બોર્ડમાં જૂના સભ્યોની જગ્યા લઈ શકશે. જોકે, એર ઈન્ડિયાના હસ્તાંતરણની સંપૂર્ણ કામગીરી પૂરી થતાં અને ટાટા જૂથના બેનર હેઠળ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સના ઉડ્ડયનને હજુ થોડોક સમય લાગશે. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત પછી એર ઈન્ડિયાના મુખ્યાલય પહોંચેલા એન. ચંદ્રશેખરે ડીઆઈપીએએમના સેક્રેટરી તુહિન કાંત પાંડે, ભૂતપૂર્વ ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખરોલા અને એર ઈન્ડિયાના સીએમડી વિક્રમદેવ દત્ત સાથે મુલાકાત કરી હતી. તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાના વ્યૂહાત્મક વિનિવેશની લેવડ-દેવડ ગુરુવારે સફળતાપૂર્વક પૂરી થઈ છે, જેમાં મેનેજમેન્ટ નિયંત્રણ સાથે એર ઈન્ડિયાના ૧૦૦ ટકા શૅર ટૈલેસ પ્રા. લિ.ને હસ્તાંતરિત કરાયા છે. વ્યૂહાત્મક ભાગીદારનારૂપમાં નવું બોર્ડ એર ઈન્ડિયાનો ચાર્જ સંભાળશે. અગાઉ કરોડોના દેવામાં ડૂબેલી એરલાઈન એર ઈન્ડિયા માટે તાતા જૂથને લોન આપવા અનેક બેન્કોનું એક જૂથ સંમત થયું હતું. એસબીઆઈની આગેવાનીવાળા આ જૂથમાં પીએનબી, બેંક ઓફ બડોદા અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે. આ બેન્કો ટર્મમ લોનની સાથે ઓપરેટિંગ કેપિટલ માટે પણ ટાટા જૂથને લોન આપવા તૈયાર થઈ ગઈ છે. આ લોન ટાટા જૂથની ટેલેસ પ્રા. લિ.ને અપાશે. એર ઈન્ડિયાનું સંચાલન હાથમાં લેતાં જ ટાટા જૂથે કામ શરૂ કરી દીધું છે. ટાટા જૂથે ગુરુવારે મુંબઈથી સંચાલિત ચાર ઉડ્ડયનોમાં 'એનહાન્સ મીલ સર્વિસ' શરૂ કરવાનું પહેલું પગલું લીધું છે. ટાટા જૂથ ક્રમશઃ 'એડવાન્સ ફૂડ સર્વિસ' અન્ય ફ્લાઈટ્સમાં શરૂ કરશે. જોકે, ગુરુવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સે ટાટા જૂથના બેનર હેઠળ ઉડ્ડયન શરૂ કર્યું નથી. નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, એર ઈન્ડિયાના વિનિવેશની પ્રક્રિયા નિશ્ચિત સમયમાં પૂરી થઈ ગઈ છે. તેમણે રતન ટાટાને ટેગ કરતાં આ હસ્તાંતરણ માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, એરલાઈનના નવા માલિકોને શુભકામના.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application