વડોદરા શહેરમાં પોલીસે મોડી રાતે કાર્યવાહી કરી હતી. સમા-સાવલી રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં એક ફાઇનાન્સરની લેટ નાઇટ બર્થ ડે પાર્ટીમાં અચાનક પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પાર્ટીમાં દારૂની મહેફિલ અને મહિલા ડાન્સરો બોલાવી હોવાની જાણ થઈ હતી.જોકેપોલીસને જોતા જ આયોજક સહિત અન્ય લોકો ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં પાર્ટી પ્લોટના માલિક,ડાન્સ પાર્ટીના આયોજક સહિત હાજર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ,નાણાં ધીરનારનો મોટો વ્યવસાય કરતા અને હરણી-વારસિયા રિંગ રોડ પર રહેતા ફાઇનાન્સર અરવિંદ ઉર્ફે લાલાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સોમવારે મોડી રાતે એક પાર્ટીનું આયોજન સમા-સાવલી રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ ખાતે કરાયું હતું. આ પાર્ટીમાં દારૂની મહેફિલ અને મહિલા ડાન્સરો સાથે ડાન્સ કરતા લોકોનો વીડિયો વાયરલ થયો હતો,જે પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો.
પોલીસને જોઈ પાર્ટીમાંથી લોકો ભાગ્યા
આથી સમા પોલીસે મોડી રાતે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. ત્યારે પ્રભુ અને ભીમો સોલંકી સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હતા અને ત્યાં હાજર અન્ય લોકો મહિલા ડાન્સરનો હાથ પકડી નાચતા અને રૂપિયા ઉડાવતા જોવા મળ્યા હતા.જો કે,પોલીસને જોઈ પ્રભુ અને ભીમા સોલંકી સહિતના લોકો ભાગવામાં સફળ રહ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ,આ મામલે માત્ર નિતેશ પંચાલ નામના શખ્સ સામે જ દારૂ પીધેલાનો કેસ કરાયો હોવાનું જાણાતા પોલીસની કાર્યવાહી સામે પણ શંકા ઊભી થઈ છે. જ્યારે માહિતી છે કે પ્રભુ અને ભીમા સોલંકી સામે અનેક ગુના દાખલ છે. આ મામલે હવે પાર્ટી પ્લોટના માલિક, આયોજક અને ગુનેગારોને બોલાવી કાર્યવાહી હાથ ધરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500