Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદનાં કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે મુખ્યમંત્રીએ રંગારંગ આરંભ કરાવતા સમગ્ર લેક ફ્રન્ટ પરિસર લેસરશોની રોશનીથી ઝળહળી ઉઠ્યું

  • December 26, 2023 

અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે રાજયના મુખ્યમંત્રીએ રવિવારે સાંજે રંગારંગ આરંભ કરાવતા સમગ્ર લેકફ્રન્ટ પરિસર લેસરશોની રોશનીથી ઝળહળી ઉઠયુ હતુ. તારીખ 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાર્નિવલના પ્રથમ દિવસે જ લોકો મોટી સંખ્યામાં કાર્નિવલમાં આયોજિત કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો નિહાળવા સ્વંયભૂ ઉમટી પડયા હતા. મુખ્યમંત્રી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના 216 કરોડના વિકાસકામોનુ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આવાસો ઉપરાંત દુકાનો અને બગીચાનો સમાવેશ થતો હતો. ભાજપના મહિલા કોર્પોરેટરોએ લેકફ્રન્ટ ખાતે ગરબે ઘુમવાનો લહાવો માણ્યો હતો. વર્ષ-2008માં રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાંકરિયા કાર્નિવલનો આરંભ કરાવ્યો હતો.



વર્ષ-2020માં કોરોના મહામારીના સમયને બાદ કરતા પ્રતિ વર્ષ આયોજિત કરવામાં આવતા કાંકરિયા કાર્નિવલમાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્નિવલનો આરંભ કરાવવામાં આવ્યો એ સમયે કાર્નિવલ પરિસર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠયુ હતુ.કાર્નિવલના આરંભે હનુમાન ચાલીસાના દોહાનુ પઠન કરવામાં આવ્યુ હતુ. આ સમયે બે લોકો વાનરવેશમાં સ્ટેજ સુધી પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં તૈયાર કરાવવામાં આવેલા 216 કરોડના વિકાસકામોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ એ પૈકી 141 આવાસ અને 14 દુકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો. બે લાભાર્થીઓને મકાનની ચાવી આપવામાં આવી હતી.



કાર્નિવલમાં બાળકો માટે બાળનગરી ઉભી કરવામાં આવી છે. બાળનગરી ખાતે 31 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરી બાળકોમાં સાહસ અને શોર્ય વધે એ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. આ વર્ષે શરૂ કરવામાં આવેલા કાર્નિવલમાં વસુધૈવ કુટુમ્બકમના થીમ ઉપર આધારીત વિવિધ આકર્ષણોનુ આયોજન કરવામાં આવ્યુ છે. કાર્નિવલમાં આધુનિક ટેકનોલોજી આધારીત કાર્યક્રમ કાર્નિવલની મુલાકાતે આવનારા મુલાકાતીઓનું આકર્ષણ બની રહેશે. કાર્નિવલમા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત લોકડાયરા અને હાસ્ય દરબારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત હિન્દી-ગુજરાતી પ્લેબેક સંગીતની સાથે પંજાબ, રાજસ્થાન સહિતના અન્ય રાજયોના કલાકારો દ્વારા પણ અલગ અલગ પરફોર્મન્સ આપવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં ડોગ શો સહિતના અન્ય આકર્ષણોની સાથે યોગ વિષયક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application