ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં શનિવારે સવારે એક ટ્રેક્ટર-ટ્રોલી ગોથું ખાઇને તળાવમાં પડી જતા મોટી કરુણાંતિકા સર્જાઇ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં આઠ બાળકો સહિત ૨૪ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ અંગે પોલીસના જણાવ્યા મુજબ પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પટિયાલી-દરિયાવગંજ રોડ પર જ્યારે ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર લોકો ગંગા નદીમાં સ્નાન કરવા જઇ રહ્યા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં ૧૫ થી ૨૦ લોકો ઘાયલ થયા હતા. અલીગઢ રેન્જના મહાનિરીક્ષક શલભ માથુરે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અકસ્માતમાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
માથુરના જણાવ્યા અનુસાર ડ્રાઇવર બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર-ટ્રોલી ગોથું ખાઇને સાત થી આઠ ફૂટ ઊંડા તળાવમાં પડી જતાં ૨૪ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૫થી ૨૦ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. ટ્રેક્ટર-ટ્રોલી એટાહ જિલ્લાના જૈથરાથી આવી રહી હતી. મૃતકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે, એમ માથુરે કહ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૨ લોકોની ઓળખ ગુડ્ડી(૭૫), શકુંતલા(૭૦), દિગ્વિજયની પત્ની મીરા(૬૫), રાજપાલની પત્ની મીરા(૫૫), ગાયત્રી(૫૨), પુષ્પા(૪૫), શ્યામલતા(૪૦), શિવમ(૩૦), શિવાની(૨૫), અંજલિ(૨૪), જ્યોતિ(૨૪), ઉષ્મા(૨૪), સપના(૨૨), દીક્ષા(૧૯), સુનૈના(૧૦), કુલદીપ(૭), દેવાંશી(૬), સંધ્યા(૫), કાર્તિક(૪), લાડુ(૩), સિદ્ધ(દોઢ વર્ષ) અને પાયલ(બે મહિના) તરીકે થઇ છે. જ્યારે અન્ય બે મૃતદેહોની ઓળખ થવાની બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પ્રારંભિક બચાવ કામગીરીમાં સામેલ સ્થાનિક પ્રવીણ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે તળાવમાંથી ૧૫ મૃતદેહને બહાર કાઢ્યા હતા. તે સમયે રસ્તા પર જે પણ વાહનો નીકળતા હતા તેના પર અમે ઘાયલોને હૅાસ્પિટલમાં ખસેડ્યા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ હતી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. બન્નેએ એક્સ પર દુર્ઘટના પર દુ:ખ વ્યકત કર્યું હતું અને મોટી સંખ્યામાં જાનહાનિના સમાચાર અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમજ સરકાર ભોગબનનાર પરિવારોને વહેલી તકે તમામ શક્ય મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500