દક્ષિણ આફ્રિકાનાં સોવેટો ખાતે એક બારમાં અડધી રાતે માસ શૂટિંગની ઘટનામાં 15 લોકોનાં મોત નીપજ્યાં છે અને 10 લોકોને ઈજા પહોંચી છે, જેમાં 3ની હાલત ગંભીર છે. હુમલાખોરોએ જોહાનિસબર્ગના સોવેટોમાં એક બારમાં ઘૂસીને આડેધડ ગોળીઓ ચલાવી હતી. ત્યાર પછી હુમલાખોરો સફેદ રંગની મિનીબસ ટેક્સીમાં ભાગી છૂટયા હતા. આ ઘટનામાં પોલીસે હજુ સુધી કોઈ ધરપકડ કરી નથી. અમેરિકાની જેમ હવે દક્ષિણ આફ્રિકામાં માસ શૂટિંગની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે, શનિવારે અડધી રાત પછી બારમાં લોકો સંગીતના તાલે ડાન્સ કરી રહ્યા હતા અને મોજમસ્તી માણી રહ્યા હતા.
તે સમયે એક મિનિબસ ટેક્સીમાં આવેલા હુમલાખોરોએ ખુલ્લો ગોળીબાર કર્યો હતો. 12 લોકોનાં ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને અન્ય 3 લોકોને હોસ્પિટલ પહોંચતા મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ઈજાગ્રસ્તોને ક્રિસ હનિ બારાગ્વાનાથ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલામાં ભોગ બનેલાઓમાં મોટાભાગે 19 થી 35 વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે.
ગ્વાટેંગ પ્રાંતના પોલીસ કમિશનર લેફ.જન.ઈલિઆસ માવેલાએ જણાવ્યું કે, પોલીસે ઘટના સ્થળ પરથી સંખ્યાબંધ ખાલી કાર્ટ્રીજ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ લાઈસન્સ ધરાવતા બારમાં સત્તાવાર સમયમાં જ લોકો મોજ મસ્તી કરી રહ્યા હતા. અચાનક જ ગોળીબારનો અવાજ સંભળાતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. અમને હજુ હુમલાનો હેતુ અને આ લોકોને શા માટે નિશાન બનાવાયા તેની માહિતી મળી નથી.
માવેલાએ કહ્યું કે, ખુલ્લેઆમ કરાયેલા ગોળીબારમાં હાઈ કેલિબરના શસ્ત્રોનો ઉપયોગ કરાયો હતો. હુમલો કરાયો હતો તે વિસ્તારમાં એકદમ અંધારું છે, જેથી હુમલાખોરોની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. હુમલામાં રાઈફલ્સ અને ૯ એમએમની એક પિસ્તોલનો ઉપયોગ કરાયો હતો તેમ નેશનલ પોલીસ પ્રવક્તા કર્નલ દિમાકાત્સો સેલોએ જણાવ્યું હતું. અન્ય એક ઘટનામાં શનિવારે રાત્રે પીટર મારિટ્સબર્ગ શહેરમાં સ્વીટવોટર્સ ટાઉનશિપમાં એક બારમાં એક હુમલામાં 4 લોકોનાં મોત થયા હતા.
પોલીસે કહ્યું કે, બે માણસો બારમાં પ્રવેશ્યા અને લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય બે લોકોને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા અને અન્ય 8ને ઈજા પહોંચી હતી. ક્વાઝુલુ નટલના પોલીસ કમિશનર જન. એનલાન્લા એમખ્વાનાઝીએ કહ્યું કે, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
તાજેતરમાં પૂર્વીય લંડનમાં એક બારમાં 21 સગીરો એક બારમાં મૃત મળી આવ્યા હતા. તેમનાં મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી તેમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. બે સપ્તાહના સમયમાં જ બારમાં હુમલાઓની ઘટનાથી સમગ્ર દક્ષિણ આફ્રિકામાં સનસનાટી મચી ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500