અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 6 મહિનામાં વિદેશના મુસાફરોની અવર-જવર 10 લાખને પાર થઇ ગઇ છે. વર્ષ 2023ના પ્રથમ 6 માસની સરખામણીએ વિદેશના મુસાફરોની અવર-જવરમાં ગત વર્ષ કરતાં 20 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. અલબત્ત, ગત વર્ષની સરખામણીએ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવરમાં સાધારણ જ વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટમાં જાન્યુઆરીથી જૂન 2023 દરમિયાન 8,71,716 મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. જેની સરખામણીએ આ વર્ષે પ્રથમ 6 માસમાં વિદેશના મુસાફરોની અવર-જવર 20 ટકા જેટલી વધી ગઈ છે. આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં પ્રતિ દિવસે વિદેશના 6 હજારથી વધુ મુસાફરોની અવર-જવર કરે છે.
વર્ષ 2023માં પ્રતિ દિવસે 4800 જેટલા વિદેશના મુસાફરો અવર-જવર કરતા હતા. જાન્યુઆરી 2024માં સૌથી વધુ 2 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઈ છે. આ સ્થિતિ જોતાં અમદાવાદ એરપોર્ટમાં વર્ષ 2024ના અંત સુધીમાં વિદેશના મુસાફરોની અવર-જવર 20 લાખને પાર થાય તેવી પૂરી સંભાવના છે. અમદાવાદ એરપોર્ટમાં પ્રતિ દિવસે વિદેશની સરેરાશ 40 ફે્લાઈટની અવર-જવર કરે છે. જૂન મહિનાની જ વાત કરવામાં આવે તો વિદેશની કુલ 1176 ફ્લાઇટમાં 1.81 લાખ મુસાફરો નોંધાયા હતા. અમદાવાદ અવર-જવર કરતી વિદેશની પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ 154 મુસાફરો હોય છે.
અમદાવાદ એરપોર્ટમાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધી ઈન્ટરનેશનલ-ડોમેસ્ટિક ફ્લાઇટમાં 62.11 લાખ મુસાફરોએ અવર-જવર કરી છે. જેની સરખામણીએ જાન્યુઆરીથી જૂન 2023 સુધી કુલ 59.71 લાખ મુસાફરો હતા. વર્ષ 2023ની સરખામણીએ ડોમેસ્ટિ ફ્લાઇટના મુસાફરોની અવર-જવરમાં સાધારણ વધારો થયો છે.વર્ષે 2024માં 6 મહિતાનમાં કુલ 51.34 લાખ ડોમેસ્ટિક મુસાફરો નોંધાયા છે. વિદેશની પ્રત્યેક ફ્લાઇટમાં 154, જ્યારે ડોમેસ્ટિક ફ્લાઇટમાં 126 જેટલા મુસાફરો હોય છે. અમદાવાદ એરપોર્ટમાં સપ્ટેમ્બર 2023થી ઓગસ્ટ 2024માં અત્યારસુધીમાં 46 લાખથી વધુ બેગેનું સ્ક્રીનિંગ કરાયું છે.
પૈકી 80 હજારથી વધુની બેગમાંથી પાવર બેંક, લાઇટર, સૂકું નાળિયેર જેવી પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવી છે. જેમાં પાવરબેંક સૌથી વઘુ 18,246ની બેગમાંથી મળી આવી હતી. ફ્લાઇટમાં મુસાફરી કોઇપણ મુસાફર ચેક-ઈન લગેજમાં પાવર બેંક, લાઇટર, સૂકું નારિયેળ, વધારાની બેટરી, ઈ-સિગારેટ જેવી પ્રતિબંધિત ચીજ-વસ્તુ રાખી શકે નહીં. વિશેષ કરીને નિયમિત મુસાફરી કરતા ન હોય તેવા મુસાફરોને ચેક ઈન લગેજમાં પ્રતિબંધિત વસ્તુને લીધે મુશ્કેલી નડે છે. મુસાફરના ચેક ઈન લગેજમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવતાં ઘણાં કિસ્સામાં તેને બોર્ડિંગ ગેટથી પાછો બોલાવવો પડે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500