Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખગોળશાસ્ત્રીઓને મંગળનાં દક્ષિણ ધ્રુવનાં બરફ નીચે પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના સાંકેતિક પુરાવા મળ્યા

  • October 06, 2022 

ખગોળશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય ટીમને પૃથ્વીનાં પડોશી ગ્રહ મંગળનાં દક્ષિણ ધ્રુવનાં બરફ નીચે પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના સાંકેતિક પુરાવા મળ્યા છે. આ નવું અને વિશિષ્ટ સંશોધન બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ અને યુનિવર્સિટી ઓફ શેફિલ્ડના ખગોળશાસ્ત્રીઓની ટીમે સંયુક્ત રીતે કર્યું છે. સૌર મંડળના રાતા ગ્રહ મંગળ વિશેના અત્યાર સુધીના સૌથી વિશિષ્ટ અને મહત્વના ગણાતા આ સંશોધનની વિગતો આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત જર્નલ નેચર એસ્ટ્રોનોમીમાં પ્રસિદ્ધ થઇ છે.




આ સંશોધન માટે ખગોળ શાસ્ત્રીઓની ટીમે અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસાના માર્સ ગ્લોબલ સર્વેયર  સેટેલાઇટની આધુનિક ટેકનીક્સનો ઉપયોગ કર્યો છે. કેમ્બ્રીજ યુનિવર્સિટીની  સ્કોટ પોલાર રિસર્ચ ઇન્સ્ટિટયુટનાં ખગોળશાસ્ત્રી અને આ સંશોધનના મુખ્ય વિજ્ઞાની પ્રોફેસર નીલ આર્નોલ્ડે મહત્વનો મુદ્દો રજૂ કરતાં જણાવ્યું હતું કે, અમને મળેલા નવા ભૌગોલિક પુરાવા, અમારા કમ્પ્યુટર મોડેલનાં પરિણામ અને રાડાર દ્વારા મળેલી સચોટ વિગતો દ્વારા એવું જરૂર કહી શકાય કે, આજે મંગળના કોઇ એક ચોક્કસ સ્થળે પ્રવાહી જળ છે ખરું. ઉપરાંત, હાલના તબક્કે પણ સૂર્ય મંડળના રાતા ગ્રહના ભૂગર્ભમાં ભરપૂર ઉર્જા(ગરમી) હોવાથી આ ગ્રહ સક્રિય  છે. મંગળની આ જ ઉર્જાને કારણે બરફની વિરાટકાય પાટો નીચે ખળખળ વહેતા પાણીનું અસ્તિત્વ ટકી રહ્યું છે.




ખરેખર તો મંગળ પરની સપાટી પર અસહ્ય ઠંડુ વાતાવરણ છે. આવા ટાઢાબોળ વાતાવરણમાં  પાણી  પ્રવાહી સ્વરૂપે ન ટકી શકે. આમ છતાં લાલ ગ્રહના પેટાળમાં ભરપૂર ઉર્જા હોવી જરૂરી  છે. યુનિવર્સિટી ઓફ શેફિલ્ડના ખગોળશાસ્ત્રી ફ્રાન્સીસ બુચરે ભારપૂર્વક કહ્યું હતું કે, અમને અમારા સંશોધન દ્વારા એવા મજબૂત સંકેતો મળ્યા છે કે, મંગળના દક્ષિણ ધુ્રવ પરની બરફની વિરાટ પાટો નીચે વહેતું જળ છે. આમ પણ ખળખળ વહેતું પાણી કોઇપણ ગ્રહ પર જીવ સૃષ્ટિ પાંગરવા માટે બહુ જ આવશ્યક ગણાય છે. જોકે અમારા સંશોધનનો અર્થ એવો નથી થતો કે મંગળ પર જીવન  છે. એક ખાસ મુદ્દોમાં સંશોધન ટીમે એમ પણ કહ્યું છે કે, મંગળના દક્ષિણ ધુ્રવ પરની બરફની પાયો નીચેનું પાણી ખારું હોવું જોઇએ. આ જ ખારા જળને કારણે ત્યાં કોઇપણ પ્રકારનાં સુક્ષ્મ જીવનું પણ અસ્તિત્વ ન ટકી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application