નવસારી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા બી.આર.ફાર્મ નવસારી ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત મેહસુલ વિભાગ હસ્તકની સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને નવસારી સાંસદ સી.આર.પાટીલના વરદ્દ હસ્તે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સમાજ સુરક્ષાની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓએ સમાજના છેવાડાના વંચિત વર્ગના લોકોનું ભવિષ્ય સુરક્ષિત કરી સમાજમાં તેમને સ્વમાનભર્યું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં તથા દેશમાં વસતા ગરીબ પરિવારોને ગરીબીમાંથી બહાર લાવવા સમાજ સુરક્ષાની વિવિધ જનકલ્યાણકારી યોજના કાર્યરત કરી છે. જેના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડીને નવસારી જિલ્લા વહિવટીતંત્રએ સાચા અર્થમાં દરિદ્રનારાયણની સેવાના યજ્ઞમાં અમુલ્ય યોગદાન આપ્યું છે. જેમાં પ્રત્યેક સમાજના લોકોએ સહભાગી બની દરિદ્રનારાયણની સેવાના યજ્ઞ કાર્યની જ્યોતને વધુ પ્રજ્વલીત બનાવવી પડશે.
વર્તમાન સરકારના જનસેવાના લક્ષ્યાંકમાં હમેશાં છેવાડાના માનવીનું હિત રહેલું છે, તેથી જ સમાજ સુરક્ષાની વિવિધ યોજનાના માધ્યમ દ્વારા છેવાડાના વિસ્તારમાં વસતા વંચિતોને વિવિધ યોજનાઓની સહાય હાથો હાથ પહોંચાડી છે, તેમ જણાવી સાંસદશ્રી સી.આર.પાટીલે ઉપસ્થિત લાભાર્થીઓને તેમને મળેલ લાભને પુરૂષાર્થ જોડીને સ્વાવલંબી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ રાજ્યના ગરીબ પરિવારો સ્વાભિમાન પૂર્વક જીવન જીવે તેવી સરકારને નેમ રહી છે, તેમ જણાવ્યું હતુ. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આરંભેલા સર્વાંગી વિકાસના કાર્યોને વર્તમાન સરકારે જન ભાગીદારી સાથે છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડ્યા છે.
કાર્યક્રમના પ્રારંભમાં નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ, સાથે નવસારી જિલ્લામાં સમાજના વંચિત ૬૦૦૦થી વધુ લોકોને સહાય વિતરણ માટે અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત નવસારીના સાંસદ સી.આર.પાટીલનું નવસારીના દરેક વિષય પર સતત મળતું આવતું માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાના સમાજ સુરક્ષા હેઠળના ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળના ૧૪ લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સ્ટેજ પરથી સાંસદશ્રી સી.આર.પાટીલ તથા મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી તેમજ નવસારી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સમાજ સુરક્ષાની વિવિધ યોજના તથા કુપોષણ મુક્ત નવસારી હેઠળ કરેલ કામગીરી અંગેની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓમાંથી નવસારી તાલુકાના પોંસરા ગામના પાર્વતીબેન નટુભાઈ પટેલ, ચીખલી તાલુકાના જયેશકુમાર બાબુરાવ લગડ અને વાંસદા તાલુકાના રવાણીયા ગામના રેખાબેન ઈશ્વરભાઈ રોન્ધાએ તેમના પ્રતિભાવ આપ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500