ગૂગલ મેપ્સના કારણે આસામ પોલીસ ગેરમાર્ગે દોરાઈ હોવાની ઘટના સામે આવી છે. ૧૬ સભ્યોની પોલીસ ટીમ ભૂલભૂલમાં નાગાલેન્ડ પહોચી ગઈ હતી અને સ્થાનિકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, આસામ પોલીસ ગૂગલ મેપ્સની ભૂલના કારણે નાગાલેન્ડના મોકોકચૂંગ જિલ્લામાં પહોચી ગઈ હતી. સ્થાનિકોએ તેમને ગુનેગાર સમજીને તેમની પર હુમલો કર્યો હતો.
આ ઘટના ત્યારે ઘટી હતી જ્યારે, પોલીસ ટીમ એક ગુનેગારને પકડવા માટે દરોડો પાડવા નીકળી હતી. ત્યારે, હથિયારબંધી પોલીસ અજાણતા રાજ્યની સરહદ પાર કરીને પડોશી રાજ્યમાં પહોચી ગઈ હતી. પોલીસ ટીમના ૧૬ સભ્યો પાસે હથિયાર હોવાથી ગામડાના લોકોએ તેમને ગુનેગાર સમજીને તેમને બંધક બનાવી લીધા હતા. ત્યારબાદ, તેમને માર માર્યો હતો. પોલીસની ટીમ આખી રાત ગામડામાં ફસાઈ ગઈ હતી. તેમના બચાવ માટે આખરે નાગાલેન્ડ પોલીસની મદદ લેવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ૧૬ કર્મચારીઓમાંથી માત્ર ત્રણ જ યુનિફોર્મમાં હતા અને બાકીના સિવિલ ડ્રેસમાં હોવાથી સ્થાનિકોને મૂંઝવણ થઈ હતી. હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. ગામડામાંથી પહેલા પાંચ અને બીજા દિવસે અન્ય ૧૧ કર્મચારીઓને છોડાવાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500