Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં ઘઉંનાં ભાવ વધી જતાં સંગ્રહખોરી અટકાવવાનાં ભાગરૂપે સ્ટોક લિમિટ લાગુ કરી : સ્ટોક લિમિટ તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી લાગુ રહેશે

  • June 14, 2023 

દેશમાં ઘઉંના ભાવ વધી જતા તેની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સરકારે તેના પર સ્ટોક લિમિટ લાગુ કરી છે. આ સ્ટોક લિમિટ તારીખ ૩૧મી માર્ચ, ૨૦૨૪ સુધી લાગુ રહેશે, એમ કેન્દ્ર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું. સરકાર ખુલ્લા બજારમાં ૧૫ લાખ ટન ઘઉં પણ વેચવા માટે કાઢશે. સ્ટોક લિમિટ તાત્કાલિક અમલમાં આવે તે રીતે લાગુ કરવામાં આવી છે. દેશના દરેક રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્ટોક લિમિટ લાગુ રહેશે. નોટિફિકેશન પ્રમાણે ટ્રેડર્સ તથા હોલસેલર માટે ૩૦૦૦ ટન્સ તથા રિટેલરો માટે આ મર્યાદા ૧૦ ટન રખાઈ છે, જ્યારે મોટી રિટેલ ચેઈન માટે તેમના દરેક એકમ દીઠ ૧૦ ટન સ્ટોક લિમિટ રહેશે. આ અગાઉ ૨૦૦૮માં ઘઉં પર સ્ટોક લિમિટ લાગુ કરવામાં આવી હતી. પ્રોસેસર્સને પણ સ્ટોક લિમિટમાં આવરી લેવાયા છે.


સંબંધિતોએ પોતાની સ્ટોક લિમિટ અન્ન તથા જાહેર વિતરણ વિભાગનાં પોર્ટલ પર જાહેર કરવાની રહેશે. તેમની પાસેનો સ્ટોકસ જાહેર કરાયેલી મર્યાદા કરતા વધુ હોય તો તે ૩૦ દિવસની અંદર લિમિટની અંદર લાવી દેવાનો રહેશે. દેશમાં ઘઉંનો પૂરતો સ્ટોક હોવાથી આયાત નીતિમાં કોઈ ફેરબદલ કરવાની આવશ્યકતા નહીં હોવાનું અન્ન સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું. નિકાસ પ્રતિબંધ ચાલુ રહેશે. યુક્રેનમાં મોટો બંધ તૂટી પડવાને પરિણામે વૈશ્વિક બજારમાં ઘઉં તથા મકાઈનાં ભાવમાં ઉછાળો આવ્યો છે. બંધ તૂટી પડતા વૈશ્વિક પૂરવઠામાં ખલેલ પડવાની શકયતા જોવાઈ રહી છે.

ઘર આંગણે પણ તાજેતરમાં ઘઉંના ભાવમાં આઠ ટકા વધારો જોવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારતે ગયા વર્ષના મેથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. ઘર આંગણે ઘઉંના ભાવમાં ઉછાળો અટકાવવા આ નિર્ણય આવી પડયો હતો. નજીકનાં ભવિષ્યમાં પ્રતિબંધ ઉઠાવી લેવાની શકયતા ઓછી છે. દેશમાં કઠોળની સંગ્રહખોરી તથા ભાવમાં કૃત્રિમ વધારો અટકાવવાના ભાગરૂપ ગયા સપ્તાહમાં તુવેર તથા અડદ દાળ પર સ્ટોક મર્યાદા લાગુ કરી છે. આ મર્યાદા તારીખ ૩૧મી ઓકટોબર ૨૦૨૩ સુધી લાગુ કરાઈ છે. દેશમાં આવી રહેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અનાજના ભાવમાં વધારો ન થાય અને તેની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સરકારે સ્ટોક મર્યાદા જેવા પગલાં લઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application