Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ઘટતા તમામ માર્ગો જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તે ખુલ્લા થવા પામ્યા છે

  • July 02, 2023 

વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદ બાદ, ગઈકાલ બપોર પછી વરસાદનું જોર ઘટતા તમામ માર્ગો કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તે ખુલ્લા થવા પામ્યા છે. આજે એટલે કે તા.૨ જૂલાઈના રોજ સાંજના ૬ વાગ્યાથી આજ સવારના ૬ વાગ્યા સુધીના બાર કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં સરેરાશ ૯ મી.મી. વરસાદ નોધાવા પામ્યો છે. જિલ્લા ફ્લડ કંટ્રોલ ક્ક્ષ તરફથી મળેલી વિગતો અનુસાર આ બાર કલાક દરમિયાન આહવા ખાતે માત્ર ૧૧ મી.મી. (કુલ ૫૨૦ મી.મી.), વઘઇ ખાતે ૧૩ મી.મી. (કુલ ૫૧૩ મી.મી.) અને સુબીર ખાતે ૪ મી.મી. (કુલ ૩૮૯ મી.મી.) વરસાદ થતાં જિલ્લામાં સરેરાશ ૯ મી.મી. (કુલ ૪૭૪ મી.મી.) વરસાદ નોધાઈ ચૂક્યો છે.


દરમિયાન ડાંગ જિલ્લામાં ગઈકાલ સવારે ૮ વાગ્યાની સ્થિતિએ જિલ્લાના જે ૧૨ માર્ગો વરસાદી પાણીના કારણે અવરોધાયા હતા. તે તમામ માર્ગો પરથી વરસાદી પાણી ઓસરતા તે વાહન વ્યવહાર માટે પૂર્વવત થવા પામ્યા છે. વરસાદી વાતાવરણમાં ડાંગની પ્રકૃતિ અને અહીંના નૈસર્ગિક સૌંદર્યને માણવા આવતા પ્રજાજનો, પ્રકૃતિપ્રેમીઓ, પર્યટકો, અને વાહન ચાલકોને જિલ્લા વહીવટી તંત્રે કોઈ અકસ્માત કે અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારી દાખવવા સાથે કેટલીક માર્ગદર્શક સુચનાઓ જારી કરી છે. જે મુજબ જિલ્લાના જાહેર માર્ગો, પર્યટન સ્થળો, જળધોધ, ડુંગરોની ટોચ અને તળેટી વિસ્તાર, ખીણ પ્રદેશ, નદીનાળા, તળાવ, કે રોડ સાઈડ ઉપર ગમે ત્યાં આડેધડ વાહનો પાર્ક કરીને જોખમી રીતે સેલ્ફી લેવા, કે ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.


આ ઉપરાંત વન્ય પ્રાણીઓને તેમની પ્રકૃતિથી વિપરિત પ્રકારનો ખોરાક નહિ આપવા સાથે, વન વિસ્તારમાં મુક્ત રીતે વિહાર કરતા સરીસૃપ જીવો, હિંસક વનિલ પ્રાણીઓથી સાવધાન રહેવા પણ અપીલ કરવામાં આવી છે. લો-લેવલ કોઝ-વે કે નિચાણવાળા માર્ગો ઉપર જો વરસાદી પાણી ભરાયા હોય તો આવા માર્ગો, પુલોનો ઉપયોગ નહીં કરતા, તંત્ર દ્વારા સૂચવાયેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. વરસાદને કારણે ક્યાંક વૃક્ષો, ભેખડો, કાળમીંઢ શિલાઓ સહિત માર્ગને અવરોધતો મલબો પડ્યો હોય, કે ક્યાંક વીજ પોલ અને વીજ તાર જેવા જોખમી સરંજામ પડ્યા હોય તો તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (૦૨૬૩૧-૨૨૦૩૪૭) ને જાણ કરવા પણ અનુરોધ કરાયો છે.


ડાંગ કલેકટર મહેશ પટેલ પ્રજાજનો, મુસાફરો, પર્યટકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, અને અહીં કોઈ પણ પ્રકારની જાનમાલની નુક્શાનીનો બનાવ ન બને તે માટે ખૂબ જ સંવેદનશીલતા સાથે સતર્કતા રાખી, વહીવટી તંત્રને માર્ગદર્શન આપી રહ્યા છે. તંત્રના આ પ્રયાસોમાં સૌ પ્રજાજનો, પર્યટકોને સહયોગ આપવાની અપીલ સાથે, સલામત રીતે ડાંગના અણમોલ પ્રાકૃતિક સૌંદર્યને માણવા, અને તંત્ર દ્વારા ચાલી રહેલી રાહત તથા મરામત કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application