ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી પાણીજન્ય કોલેરાના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં અગાઉ પેથાપુર, વાવોલ, સેક્ટર-20 અને સે-13માંથી કોલેરાના કેસ મળી આવ્યા બાદ શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ગોકુળપુરામાંથી એક સાથે ત્રણ જેટલા દર્દીઓનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે કોર્પોરેશન તંત્ર ચોંકી ગયું હતું અને તાત્કાલિક આ વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જેમાં ઝાડા ઉલ્ટીના શંકાસ્પદ 25થી વધુ દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મંગળનવારે સેક્ટર-14, ગોકુળપુરા છાપરા વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોની માહિતી મળતા મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, એપીડેમીક મેડિકલ ઓફિસર, સેક્ટર-29 મેડિકલ ઓફિસર તથા સ્ટાફ દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. અહીં કુલ-10 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલુ કરતાં બે દિવસમાં સુધી 25થી પણ વધુ ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા હતા.જે પૈકી વધુમાં છ દર્દીઓને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા.
સિવિલમાં આ દર્દીઓના કોલેરાનો ટેસ્ટ કરવામાં આવતા આજે ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક સાથે ત્રણ દર્દીના કેસ પોઝિટિવ આવવાની સાથે દરેક દર્દીઓને એક સરખાં જ લક્ષણો હોવાને કારણે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરીને તાત્કાલિક સર્વેલન્સ તથા આરોગ્યની સેવાઓ ત્યાં પહોંચી કરવામાં આવી હતી. કોર્પોરેશનની કુલ 10 ટીમો દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરીને ત્યાં ઓઆરએસના પેકેટ તથા ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલુજ નહીં, આ વિસ્તારમાં પાણીના લીકેજ મળી આવતા તાત્કાલિક પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છએ અને પિવા માટે પાણીના જગ ઘરે ઘરે આપવામાં આળી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500