નવસારીનાં ચીખલી તાલુકામાં વધુ 3 ઇંચ વરસાદ વચ્ચે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. જોકે ચીખલી તાલુકામાં ઠેર-ઠેર પાણી ફરી વળતા 14 જેટલા માર્ગ બંધ રહ્યા હતા. ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં ગુરુવારના રોજ ભારે વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી કાવેરી, અંબિકા અને ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતી સર્જાઈ હતી જેથી સ્થાનિક કોતરો, લો-લેવલ, કોઝ-વે, પુલ પૂરના પાણીમાં ગરકાવ થતા તાલુકાના 14 જેટલા માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ થયો હતો.
જયારે શુક્રવારની સાંજે 4 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 75 મિમી જેટલો વરસાદ પડતાં લોકમાતાઓ અને સ્થાનિક કોતરોમાં પાણીની સપાટીમાં વધારો થયો હતો અને શુક્રવારના રોજ વરસાદનું જોર ઘટતા બપોર બાદ વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદી સવારના સમયે 16.30 ફૂટે વહી રહી હતી. જ્યારે બપોર બાદ કાવેરીની સપાટીમાં પણ ઘટાડો થયો હતો. તાલુકામાં દિવસભર છૂટાછવાયા વરસાદી ઝાપટાં સાથે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. માર્ગ મકાન વિભાગ દ્વારા નુકસાન પામેલા માર્ગોની મરામત હાથ ધરાઇ હતી. ચીખલી કાવેરી નદી સ્થિત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર બપોર બાદ પણ પાણીમાં ગરકાવ રહ્યું હતું.
વરસાદને કારણે ચીખલી તાલુકામાં બંધ થયેલા માર્ગો...
તલાવચોરા બારોલીયા મોટા ફળિયા-તલાવચોરા સોલધરા રોડ, તલાવચોરા ડેન્સા ફળિયા શામળા ફળિયા-તેજલાવ રોડ, ચરી પ્રાયમરી સ્કૂલ-ઉખડ ફળિયા ગોરગામ રોડ, સાદકપોર-ગોલવાડ ટેકરા ફળિયા રોડ, દોણજા નાની ખાડી રોડ, ટાંકલ રોહિતવાસ હનુમાન ફળિયા રોડ, વેલણપુર એપ્રોચ રોડ, રૂમલા-નડગધરી રોડ, ગોડથલ મહાદેવ મંદિર રોડ, ગોડથલ મંદિર ફળિયા-અગાસી આદિમજૂથ રોડ, માંડવખડક ચિતપાતલ રોડ, વેલણપુર એપ્રોચ રોડ, રૂમલા-નડગધરી રોડ, ગોડથલ મહાદેવ મંદિર રોડ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500