આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ખતરનાક સાધન છે પછી તે ભલે કોઇના પણ હાથમાં હોય ચીન કે અમેરિકા તેમ દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું. ચીનની કંપની દ્વારા વિકસિત કરવામાં આવેલ ડિપસિક પર પ્રતિબંધ મૂકવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.કે.ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તુષાર રાવ ગેડેલાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે, એઆઇ એક ખતરનાક સાધન છે ભલે તે પછી કોઇના પણ હાથમાં હોય ચીન કે અમિેરિકા. આ બાબતથી કોઇ ફેર પડતો નથી.
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે આ મુદ્દે વિચારણા કરવાની જરૃર છે. તેમણે આ માટે કોર્ટ પાસે વધુ સમય આપવાની માંગ કરી હતી. કોર્ટે આગામી સુનાવણીની તારીખ ૨૦ ફેબુ્રઆરી નક્કી કરી છે. બીજી તરફ અરજકર્તાના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે આ સંબધમાં સંબધિત ઓથોરિટીઓને નોટીસ આપવામાં આવે. અરજકર્તા અને વકીલ ભાવના શર્માએ જણાવ્યું હતું કે નાગરિકોના અંગત ડેટાના રક્ષણ, સરકારી સિસ્ટમમાં ડેટાના રક્ષણ, સાયબર હુમલાથી ઉપકરણોના રક્ષણ માટે આ અરજી કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, પ્લે સ્ટોર પર જ્યારથી ડિપસિક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ત્યારથી તેમાં અનેક ખામીઓ સામે આવી છે. જેના કારણે ચેટ હિસ્ટરી, બેક એન્ડ ડેટા અને લોગ સ્ટ્રીમ્સ સહિતના સંવેદનશીલ ઓનલાઇન અંગત ડેટા લીક થવાનું જોખમ વધ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500