Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

22 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીનું ગુજરાતમાં આગમન : ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અનેકવિધ વિકાસકાર્યોને ખુલ્લા મુકશે

  • February 21, 2024 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતને અનેક મોટી ભેટ આપવાના છે. કરોડોના ખર્ચે નિર્માણ થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. તો એક મોટા ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. 22 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીનું ગુજરાતમાં આગમન થશે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અનેકવિધ વિકાસકાર્યોને ખુલ્લા મુકશે, સાથે જ વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી એક ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે.

સૌથી પહેલા પ્રધાનમંત્રી 22 તારીખે મહેસાણાના તરભ ગામમાં પહોંચશે.

જ્યાં ભગવાન વાડીનાથના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. વિસનગરના તરભમાં ભવ્યતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. રબારી સમાજની ગુરુગાદી એવા તરભમાં વાડીનાથ મંદિરનું નિર્માણ કરાયું છે. આ મહોત્સવમાં સમગ્ર રાજ્યમાંથી રબારી સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ ઉમટ્યા છે. લોકસાંસ્કૃતિ કાર્યક્રમો અને સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. તરભમાં વિકાસકાર્યોનું ભૂમપિજન અને લોકાર્પણ કરશે. વાડીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી અમદાવાદ આવશે. જ્યાં અમૂલ ફેડરેશનના સહકાર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સહકાર સંમેલનમાં સંબોધન પણ પ્રધાનમંત્રી કરશે.


ત્યારપછી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે.

જ્યાં કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. તો નવસારીમાં PM મિત્રા પાર્કનો શિલાન્યાસ કરશે. કરોડોના ખર્ચે આ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. 22 તારીખના આ તમામ કાર્યક્રમ પતાવી તેઓ સીધા પોતાના મતવિસ્તાર વારાણસી જશે. વારાણસીમાં કેટલાક વિકાસકાર્યોના લોકાર્પણ બાદ ફરીથી 24 તારીખે ગુજરાતમાં પરત ફરશે.

24 તારીખે રાજકોટમાં ગુજરાતની પ્રથમ એઈમ્સની ભેટ આપશે.

આ એઈમ્સનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીના હસ્તે જ થયો હતો. હવે લોકાર્પણ પણ તેમના હાથે થવાનું છે. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્રના લોકોને મોટો ફાયદો થશે. તેમને અમદાવાદ સિવિલ સુધી લાંબા નહીં થવું પડે. રાજકોટમાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. તો ત્યારપછી દ્વારકામાં એક નજરાણું બનવા જઈ રહેલા સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન કરશે. આ એવો બ્રિજ છે જે દ્વારકાથી ઓખાને જોડે છે. પહેલા યાત્રિકોને બોટમાં સવારી કરીને દ્વારકાથી ઓખા જવું પડતું હતું. પરંતુ આ બ્રિજ બનવાથી યાત્રિકો પોતાની ગાડી લઈને જ સીધા ઓખા પહોંચી શકશે. આ બ્રિજને કારણે પર્યટનમાં વધારો થશે. દ્વારકાના વિકાસમાં પ્રધાનમંત્રીએ અંગત રસ દાખવ્યો છે. જે સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે તેનું ભૂમિપૂજન પણ પ્રધાનમંત્રીએ જ કર્યું હતું. આ બ્રિજથી પર્યટનમાં બહૂ મોટો વધારો થશે જેના કારણે સ્થાનિક ધંધા રોજગારને મોટો ફાયદો થવાનો છે. તો પ્રધાનમંત્રી દ્વારકામાં રાત્રિ રોકાણ કરશે. સાથે જ દ્વારિકાધિશના દર્શન પણ કરશે. પ્રધાનમંત્રી જ્યારે જ્યારે ગુજરાત આવે ત્યારે ત્યારે કંઈકને કંઈક ભેટ આપે જ છે. આ વખતનો પ્રવાસ સૌથી ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણ કે લોકસભાની ચૂંટણી આ વર્ષમાં યોજાવાની છે. અને ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેમ કહીએ તો ખોટું નથી. ત્યારે ભાજપ ફરી 26માંથી 26 બેઠક સાથે હેટ્રિક લગાવે તે માટે પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application