મુંબઈનાં ગોરેગાવ પોલીસે બોગસ દસ્તાવેજોનાં આધારે નકલી આધાર કાર્ડ અને પેન કાર્ડ બનાવનારી ગેંગના એક આરોપીની ધરપકડ કરી છે. કોઈપણ પ્રકારનાં દસ્તાવેજો વિના આરોપી દ્વારા બનાવટી આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા. આ ગુનામાં અન્ય આરોપી સંડોવાયેલા હોવાની શંકા છે. પોલીસને આરોપીની ઓફિસમાંથી બોગસ દસ્તાવેજો સાથે પ્રિન્ટર, કોમ્પ્યુટર, 30થી વધુ બોગસ આધાર કાર્ડ, 15 બોગસ પેનકાર્ડ અને અન્ય સામગ્રી મળી છે.
આરોપી પાસેથી એક જ નામના 50થી વધુ આધારકાર્ડ પેનકાર્ડ જપ્ત કરાયા છે. આરોપી હજારો રૂપિયા લેતો હતો. ઉત્તર મુંબઈનાં એડિશનલ પોલીસ કમિશનર વીરેન્દ્ર મિશ્રાએ તમામ પોલીસ સ્ટેશનોને બાંગ્લાદેશી અને નાયજિરિયન નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ગોરેગામ વિસ્તારમાં એક વ્યક્તિ કોઈપણ દસ્તાવેજ વિના અગિયારસો રૂપિયામાં આધારકાર્ડ અને પેનકાર્ડ બનાવીને આપે છે. એવી માહિતી પોલીસને મળી હતી.
ગોરેગામમાં પ્રેમનગર સ્થિત શ્યામ મિશ્રાનાં સાર્વજનિક સેવા કેન્દ્રમાં પોલીસે બોગસ ગ્રાહક મોકલ્યો હતો. આરોપી મિશ્રાએ તેને 1100 રૂપિયામાં આધારકાર્ડ બનાવવાની ખાતરી આપી હતી. મિશ્રાએ કોઈપણ દસ્તાવેજ વિના તેને બનાવટી આધારકાર્ડ બનાવી આપ્યા બાદ પોલીસે આરોપીની ઓફિસ પર છાપો માર્યો હતો. આમ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500