વાપી ટાઉન, ડુંગરા, GIDC અને દમણ વિસ્તારમાં ATM કાર્ડ ચેક કરાવ્યા બાદ કાગળની ગડ્ડી પધરાવી લોકો પાસેથી રૂપિયા કઢાવી ફરાર થનારી ગેંગનો એક આરોપી વાપી ગુંજન વિસ્તારથી પકડાયો છે. LCBએ આરોપી પાસેથી રૂપિયા 2500 રોકડા અને કાગળની ગડ્ડી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય જે સંબંધે અસરકારક કામગીરી કરવા LCB પી.આઇ.ની ટીમ શુક્રવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે આરોપી મોહમદ તારીક ઉર્ફે ટ્વીન્કલ મોહમદ એઝાજ ખાન (ઉ.વ.23, રહે.વાપી, કબ્રસ્તાન રોડ, હલાની બિલ્ડીંગ, મુળ,યુપી) નાને વાપી ગુંજન સર્કલ પાસેથી પકડી પાડી એક ફોન તથા રોકડા રૂપિયા 2,000/- તથા રૂમાલમાં બાંધેલ કાગળની ગડ્ડી સાથે પકડી પાડી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, GIDCમાં એક યુવકને એટીએમ કાર્ડ ચેક કરાવવાના બહાને તેણે અન્ય ઇસમ સાથે મળીને ઠગાઇ કરી હતી તેમજ રોકડા રૂપિયા 4,000/- અને તેના ખાતામાંથી રૂપિયા 6,000/- ઉપાડી તેને કાગળની ગડ્ડી પધરાવી તેઓ ફરાર થઇ ગયા હતા. જયારે પકડાયેલ આરોપી તારીક સામે વાપી ટાઉન, ડુંગરા, GIDC અને દમણ કોસ્ટલ પોલીસ મથકમાં જુગારધારા સહિત ઠગાઇના કુલ 5 કેસો નોંધાઇ ચૂક્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500