Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરમાં ૫૦ જેટલી બિલ્ડીંગોને મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા નોટિસ પાઠવામાં આવી

  • April 13, 2025 

ઉનાળા દરમિયાન આગની ઘટનાઓ વધતી હોય છે ત્યારે ગાંધીનગરમાં સરકારી ઇમારતો સહિત ૫૦ જેટલી બિલ્ડીંગો પાસે એનઓસી નહીં હોવાથી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા તાત્કાલિક અસરથી એનઓસી રીન્યુ કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે અને જો આગામી દિવસમાં એનઓસી રીન્યુ નહીં કરવામાં આવે તો આ ઈમારતોને સીલ કરી દેવાની પણ ચીમકી આપવામાં આવી છે. રાજ્યમાં ઇમારતોમાં આગની ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી રહી છે.


ત્યારે પાટનગર ગાંધીનગર શહેરમાં પણ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા અવારનવાર બિલ્ડીંગોમાં તપાસ કરવામાં આવી રહી છે અને આવી ઇમારતોને તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી કરીને એનઓસી મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવે છે પરંતુ સરકારના વિભાગો જ તેમાં ઉણા ઉતરી રહ્યા છે. ફાયર સેફટી વગરની અને ફાયર સેફ્ટી લીધી હોય તેમ છતાં તેને રીન્યુ નહીં કરનાર ૫૦ જેટલા એકમોને ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં સેક્ટર ૧૦માં આવેલી મુખ્ય નગર નિયોજકની કચેરી ઉપરાંત સેક્ટર ૧૭માં આવેલી જિલ્લા પંચાયત તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીનો પણ સમાવેશ થાય છે.


આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં આવેલી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંકુલનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આ તમામ એકમોને તાત્કાલિક અસરથી ફાયર એનઓસી રીન્યુ કરાવી દેવા માટે તાકીદ કરવામાં આવી છે અને જો આગામી દિવસમાં એનઓસી રીન્યુ નહીં કરવામાં આવે તો આવા એકમોને સીલ કરી દેવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને જે એકમો પાસે ફાયર એનઓસી નહીં હોય તેને શોધીને નોટિસ આપવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application