Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેક્સટાઈલ, ફાઈનાન્સ, બેન્કિંગ અને ડાયમંડ જેવા વિવિધ બિઝનેસ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતા G-20 દેશોના લગભગ 200 પ્રતિનિધિઓ સહભાગી થયા

  • July 02, 2023 

આ વર્ષે ભારતની G-20 પ્રેસિડેન્સી હેઠળ જૂલાઈ મહિનામાં ગુજરાતમાં B20 (બિઝનેસ 20) અને G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક તેમજ મંત્રી સ્તરની બેઠકો યોજાઈ રહી છે, જેના ભાગરૂપે સુરત ખાતે CII ગુજરાત કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ‘B20 સુરત મિટ’ પાર્લે પોઈન્ટની હોટેલ મેરિયોટ ખાતે યોજાઈ હતી, જેમાં ટેક્સટાઈલ, ફાઈનાન્સ, બેન્કિંગ અને ડાયમંડ જેવા વિવિધ બિઝનેસ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતા G20 દેશોના આશરે 200 પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. પ્રતિનિધિઓએ દેશમાં બિઝનેસ, ઈન્ડસ્ટ્રીયલ પોલિસી, રોકાણ અને વ્યાવસાયિક ભાવિ તકો જેવા વૈવિધ્યપૂર્ણ વિષયો પર વિચારો અને અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, ભારતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ G-20 દેશોનું પ્રમુખપદ સંભાળ્યું છે અને સભ્ય દેશોના સહયોગથી ભારત ગ્લોબલ પ્રોબ્લેમ્સના વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.



ભારતને G-20 બેઠકોની અધ્યક્ષતા કરવાની તક મળી તે આપણા માટે ગૌરવપૂર્ણ ઘટના છે તેનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ કહ્યું કે, ભારત ડિજીટલ ઈનોવેશનમાં ગ્લોબલ લીડર તરીકે આગવી રીતે ઉભર્યું છે. વડાપ્રધાનશ્રી ‘યુથ લેડ ડેવલપમેન્ટ’ના દ્રઢ આગ્રહી છે. ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગમાં નવા આયામો સર કરવામાં ભારત સરકારની હકારાત્મક નીતિઓ કારણભૂત છે. B-20 સુરત સમિટ દેશના વિકાસને ગતિ આપવામાં અને સકારાત્મક મનોમંથન બાદ નવા પરિમાણો અને પરિણામો પ્રાપ્ત કરવાનું એક અનેરૂ પ્લેટફોર્મ પૂરવાર થશે. ગુજરાતની ધરતી પર હવામાં પણ વેપાર છે એવી રમૂજ કરતા તેમણે ગુજરાતીઓની વ્યાપારી સાહસવૃત્તિને બિરદાવી હતી, દેશના અર્થતંત્રને ધબકતું રાખવામાં ગુજરાત અને ગુજરાતીઓની મહેનત કાબિલેદાદ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગુજરાતે સર કરેલા સીમાચિહ્નો, વર્તમાન વિકાસયાત્રા અને સિદ્ધિઓની વિગતો આપતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગિફ્ટ સિટી, ગ્રીન મોબિલિટી પર આધારિત ધોલેરા-એસઆઈઆર-સ્માર્ટ સિટી પ્રોજેક્ટ રાજ્યના અવિરત વિકાસનો મજબૂત પાયો બનવા તરફ આગળ વધી રહ્યા છે.



જે આવનારા દિવસોમાં વાયબ્રન્ટ ફાઈનાન્શિયલ ઓપરેશન્સ, આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બિંદુ બનવાનું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. માંડલ-બેચરાજી એસઆઈઆર ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. સુરતના ખજોદ સ્થિત ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સ ૫,૫૦૦ હીરા ઉદ્યોગકારો-વ્યાપારીઓના સમૂહ દ્વારા નિર્માણ પામેલ વિશ્વનું સૌપ્રથમ કોમર્શિયલ ઓફિસ બિલ્ડીંગ બનશે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના ઉદ્યોગકારોને સરકારે ગુજરાતમાં વ્યવસાય અને રોકાણની પ્રોત્સાહક તકો પૂરી પાડવામાં કોઈ કસર છોડી નથી, જેના પરિણામે ગુજરાત રોકાણકારો માટે વર્ષોથી પસંદગીનું આગવું સ્થળ-‘બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ’ તરીકે ઉભર્યું છે. મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી ડ્રિવન એપ્રોચ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો અભિગમ અને રોકાણકારો માટેની પ્રોત્સાહક નીતિ, સિંગલ વિન્ડો સિસ્ટમના કારણે ગુજરાત રોકાણકારો માટે સ્વર્ગ સમાન બન્યું છે.



તાજેતરમાં વડાપ્રધાનશ્રીના પ્રયાસોના કારણે અમેરિકન સેમિ કન્ડકટર જાયન્ટ કંપની માઈક્રોન દ્વારા સાણંદ ખાતે સેમી કન્ડકટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ભારત સરકાર વર્ષ ૧૯૯૦થી સેમિ કન્ડકટર પ્લાન્ટ સ્થાપવા માટે પ્રયાસો કરી રહી હતી, જે પ્લાન્ટ સ્થાપવા માટે કોઈ પણ દેશને ૨થી ૩ વર્ષ લાગે પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળી માત્ર પાંચ મહિનામાં જ જમીન ફાળવણી સહિત તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્લાન્ટ સ્થાપવા માટે માઈક્રોન સાથેના એમ.ઓ. યુ.ના કારણે ગુજરાત સેમી કન્ડકટર બનાવતુ દેશનું પ્રથમ રાજ્ય બનશે, જેના કારણે હજારો યુવાઓ માટે નોકરીઓનું સર્જન થશે એમ સંઘવીએ જણાવ્યું હતું. રાજયમાં તેજ ગતિએ થઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની વિગતો આપતા મંત્રી સંઘવીએ જણાવ્યું કે, દિલ્હી-મુંબઈ ફ્રેઈટ કોરિડોર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગ્રીનફીલ્ડ એરપોર્ટ, રિન્યુએબલ એનર્જી, એરપોર્ટ કનેક્ટિવિટી જેવા અનેક ક્ષેત્રોમાં ઝડપી માળખાકીય નિર્માણ કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કરી રહી છે.



લેબ ગ્રોન ડાયમંડ ક્ષેત્રમાં રહેલી ઉજળી અને વિશાળ તકો વિશે તેમણે જણાવી ટેક્ષટાઈલ ક્ષેત્ર મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડતુ સેકટર બન્યું છે, ત્યારે નવસારી જિલ્લામાં પીએમ મિત્રા પાર્ક સાકારિત થવાથી હજારો યુવાનો માટે રોજગારીનુ સર્જન થશે એમ ઉમેર્યું હતું. B20 બેઠકના માધ્યમથી વ્યાપારના પ્રતિનિધિઓએ વિવિધ આર્થિક અને વ્યાપાર સંબંધિત વિષયો પર તેમનો દ્રષ્ટિકોણ અને નીતિગત સૂચનો, મુદ્દાઓ રજૂ કર્યા હતા, જે વૈશ્વિક આર્થિક એજન્ડા અને વ્યવસાય નીતિઓને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સુરતમાં B-20 બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ મહેમાનો-ડેલિગેટ્સનું એરપોર્ટ અને હોટલ પર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું હતું.



વર્ષ 2023 આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ તરીકે વિશ્વભરમાં ઉજવાઈ રહ્યું હોવાથી સત્ર દરમિયાન વિદેશથી આવેલા તમામ મહાનુભાવોને આપવામાં આવનારા લંચમાં વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા મિલેટસ, કઠોળ પણ પીરસવામાં આવ્યું હતું. વૈશ્વિક વ્યવસાયો માટે નક્કી કરવામાં આવેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા અંતર્ગત પ્રારંભિક સત્રના તજજ્ઞ વક્તાઓમાં CII ગુજરાતના ચેરમેન અને હિટાચી હાઈરેલ પાવર ઇલેક્ટ્રોનિકસ ઇન્ડિયા પ્રા.લિ.ના મેને.ડિરેક્ટર દર્શન શાહ, ગુજરાત CIIના પાસ્ટ ચેરમેન અને અનુપમ રસાયણ ઈન્ડિયા લિ.ના મેને.ડિરેક્ટર આનંદ દેસાઈ, રામકૃષ્ણ એક્સપોર્ટ્સના બ્રાન્ડ કસ્ટોડીયન શ્રેયાંસ ધોળકિયા, CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલના વાઈસ ચેરમેન અને અરવિંદ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુલીન લાલભાઈ, જેમોલોજિકલ ઈન્સ્ટિટયૂટ ઓફ અમેરિકાના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ટોમ મોસેસએ પોતાના પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. G7 અને G20 રિસર્ચ ગ્રુપ્સના ડાયરેક્ટર ઓફ અકાઉન્ટેબિલિટી ડૉ.એલા કોકોત્સિસ વર્ચ્યુઅલ માધ્યમથી સમિટમાં જોડાઈને પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application