ત્રણેય સેનાઓના એકીકરણ તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગત સપ્તાહમાં આર્મીના કેટલાક અધિકારીઓને એરફોર્સ અને નેવીમાં તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. બ્રહ્મોસ મિસાઇલ યુનિટના અધિકારીએોને એરફોર્સ અને નેવીના યુદ્ધ જહાજ પર તૈનાત કરવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, સંયુક્ત ફોર્સ તૈયાર કરવાના સંબધમાં આ પ્રથમ મોટું પગલું છે. આ આદેશ મેજર અને કેપ્ટન રેન્કના અધિકારીઓ માટે જારી કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સેનાના ત્રણેય પાંખોમાં બ્રહ્મોસ મિસાઇલ ઓપરેટ કરવાની જરૂર હોય છે. આ મિસાઇલ દેશની ખૂબ જ મહત્ત્વપૂર્ણ મિસાઇલ છે જે હાયપરસોનિક સ્પીડથી ચાલે છે. તેની ત્રાટકવાની ક્ષમતા 400 કિમી સુધીની છે. એરફોર્સની પાસે જમીનથી બ્રહ્મોસ ચલાવવા માટેનું યુનિટ છે અને આ ઉપરાંત 30 એમકેઇ ફાઇટર જેટ પણ મિસાઇલ ફાયર કરવા માટે મોડિફાય કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રોસ પોસ્ટિંગથી કોમન યુઝ પ્લેટફોર્મ વધશે અને ત્રણેય સેનાઓનું કાર્ય સરળ થઇ જશે. ત્રણેય યુનિટમાં એક જ પ્રકારના અનેક મશીનો છે. જેમાં એડવાન્સ હેલિકોપ્ટર અને ચિનૂક હેલિકોપ્ટર સામેલ છે. એરફોર્સ પાસે અગાઉથી જ ચિનૂક છે જ્યારે આર્મીએ પણ તેના માટે ઓર્ડર આપ્યા છે. પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સ્વર્ગસ્થ જનરલ બિપિન રાવતે ત્રણેય સેનાઓના ફાઇટિંગ યુનિટના એકીકરણની યોજના ઘડી હતી. તાજેતરમાં જ બે ડિવિઝન બનાવવામાં આવ્યા હતાં. ડિફેન્સ સ્પેસ એજન્સી અને ડિફેન્સ સાયબર એજન્સીમાં ક્રોસ પોસ્ટિંગની સિસ્ટમ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500