આધુનિક શસ્ત્રો સાથે ચેતક કમાન્ડો, સાયબર ક્રાઈમ અને બોમ્બ ડિસ્પોઝ સહિતની રસપ્રદ માહિતી જાણવાનો લ્હાવો મળશે વલસાડ જિલ્લામાં તા.૧૫મી ઓગસ્ટ, ૨૦૨૩નાં રોજ રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડની આવાબાઈ હાઈસ્કૂલના વાડિયા હોલ ખાતે ‘શસ્ત્ર અને સ્માર્ટ પોલીસીંગ પ્રદર્શન’ ખુલ્લુ મુક્યું હતું. આ પ્રદર્શન તા.૧૩થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સવારે ૧૦થી સાંજે ૭-૦૦ વાગ્યા સુધી જિલ્લાની જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે. શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લુ મુકતા રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી.
જેને લઈને લોક ઉપયોગી, લોક સુખાકારીના કામો થઈ રહ્યા છે. એમનો હંમેશા એક મંત્ર રહ્યો છે કે, વિકાસ કરવો હોય તો શાંતિ અને સુરક્ષા જરૂરી છે અને એટલા માટે જ વડાપ્રધાનશ્રીએ પોલીસ ફોર્સ અને લશ્કરને આત્મનિર્ભર ભારતનું સ્લોગન આપ્યું છે. બધા શસ્ત્રો-સરંજામ પહેલા આપણે ઈમ્પોર્ટ કરતા હતા, તે હવે આત્મનિર્ભર ભારતમાં બનવા લાગ્યા છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રદર્શની રાખવામાં આવી છે, તેમાં ચેતક કમાન્ડો, એસડીઆરએફ અને મરીન પોલીસ જે શસ્ત્રો વાપરે છે તેમાંના મોટાભાગના શસ્ત્રો ભારતમાં બનાવવામાં આવ્યા છે. ભારતે વિદેશથી મંગાવેલા ઈન્સ્ટ્રુમેન્ટમાં પણ મોડીફિકેશન કરી રેડી ટુ યુઝ બનાવ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને તમામ શસ્ત્રો અને પ્રદર્શન વિશે ગાંધીનગર ચેતક કમાન્ડોના ડીવાયએસપી, મરીન ટાસ્ક ફોર્સનાં ડીવાયએસપી, ગાંધીનગરથી બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝ સ્કવોર્ડના ડીવાયએસપીએ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં વિભાગ(ખર્ચ)ના સચિવ અને વલસાડ જિલ્લાના પ્રભારી સચિવશ્રી, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીની અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શસ્ત્ર અને સ્માર્ટ પોલીસીંગ પ્રદર્શનમાં ચેતક કમાન્ડો, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝ સ્કવોર્ડ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, મરીન કમાન્ડો અને વલસાડ જિલ્લા પોલીસ મળી કુલ ૫ યુનિટ દ્વારા એકે ૪૭ (નવી અને જુની) ઘાતક, એક્સ.કેલીબર, અમોઘ, ગ્લોક ૧૯-૧૭, સહિતના વેપન, મરીન ટાસ્ક ફોર્સના યુનિટમાં પેપર સ્પ્રે, નોન સ્કીડ શુઝ, લાઈફ બોયા, મેગ્નેટીક કંપાસ, સ્મોક સિગ્નલ, મરીન ગોગલ્સ, નાઈટ વિઝન બાયનોક્યુલર, મેગ્નીફાઈ ગ્લાસ અને જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ, પોલીસ કોમ્યુનિકેશન, પોલીસ મોર્ડનાઈઝેશન સહિતની રસપ્રદ અને ઉપયોગી માહિતીનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500