મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ડેરીમાં 500 કરોડ રૂપિયાથી વધુના નાણાંકીય કૌભાંડ મામલે જેલમાં છે, પરંતુ તેમની રચેલી અર્બુદા સેના ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.ભાજપની ગૌરવ યાત્રા દરમિયાન પાર્ટીના નેતાઓને સેનાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ અલ્પેશ ઠાકોર અને પૂર્વ મંત્રી સૌરભ પટેલનો ભાજપમાં જ વિરોધ શરૂ થયો છે.ઉત્તર ગુજરાતના રાજકારણમાં પોતાનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કરવા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ આંજણા ચૌધરી સમાજના કુળદેવીના નામે અર્બુદા સેનાની રચના કરી હતી. દૂધ સાગર ડેરીમાં થયેલા કૌભાંડના સંદર્ભમાં 15 સપ્ટેમ્બરે ભ્રષ્ટાચાર વિરોધી ટીમ અને ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.
ઠેકઠેકાણે ઘેરાબંધી કરીને વિરોધ
અર્બુદા સેનાના આગેવાનો અને કાર્યકરો તેમની ધરપકડનો સતત વિરોધ કરી રહ્યા છે,તાજેતરમાં રાજ્યમાં ભાજપ દ્વારા યોજાયેલી ગૌરવ યાત્રા દરમિયાન બનાસકાંઠા,પાટણ વગેરે જિલ્લાઓમાં ભાજપના નેતાઓને અર્બુદા સેનાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.એક નાના છોકરાએ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી પર શાહી પણ ફેંકી હતી,જ્યારે જિલ્લા અને રાજ્યના અન્ય ભાજપના નેતાઓને પણ સેના દ્વારા ઠેર-ઠેર ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.
પક્ષમાં જ સૌરભ અને અલ્પેશનો વિરોધ
ભાજપના પૂર્વ મંત્રી સૌરભ પટેલને બહારના વ્યક્તિ ગણાવતા બોટાદ વિધાનસભા વિસ્તારના પાટીદાર સમાજ બાદ હવે કોળી પટેલ સમાજ પણ તેમના વિરોધમાં સામે આવ્યો છે.કડવા પાટીદાર સમાજે થોડા દિવસો પહેલા બેઠક યોજીને સૌરભભાઈને બહારના ગણાવીને સ્થાનિક આગેવાનને જ ટિકિટ આપવાની માંગણી કરી હતી, હવે કોળી પટેલ સમાજ પણ તેના જ આધાર પર પોતાના સમાજના આગેવાન માટે ટિકિટની માંગણી કરી રહ્યો છે.
ભાજપને નેતા શોધવાની જરૂર નથી
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. પેટાચૂંટણીમાં આ જ બેઠક પરથી ભાજપે અલ્પેશને ટિકિટ આપી હતી પરંતુ તેઓ કોંગ્રેસના રઘુ દેસાઈ સામે હારી ગયા હતા.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રાધનપુર બેઠક માટે અલ્પેશની ઉમેદવારીને આડકતરી રીતે ટેકો આપ્યો હતો,તો સાંસદ પરબત પટેલે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીને વિસ્તારના સ્વાભાવિક નેતા ગણાવીને કહ્યું હતું કે,ભાજપને નેતા શોધવાની જરૂર નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500