સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની આરોગ્ય કામગીરીમાં વધુ એક સફળતા ઉમેરાઈ છે. સ્મીમેરના નિષ્ણાંત તબીબોની કુશળતાએ ધુલિયા મહારાષ્ટ્રના અમલથા ગામના મીનાબેનને નવું જીવનદાન આપ્યું છે. મહિલાના પેટમાં સ્વાદુપિંડની ૧.૧૦ કિલોની ગાંઠની સફળ સર્જરી કરી તબીબોએ અસહ્ય પીડાથી મુક્તિ આપી છે. સરકારી શાળામાં રસોઈ બનાવવાનું કાર્ય કરતાં મીનાબેનને છેલ્લા ૪ મહિનાથી પેટમાં અસહ્ય દુ:ખાવો, ઉલ્ટી તથા વજન ઘટાડાની સમસ્યા રહેતી હતી. પ્રાથમિક નિદાનમાં પેટમાં ગાંઠ હોવાનું માલૂમ પડતાં તેમણે વતન ધૂલિયાની ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું. જ્યાં તેમને ઓપરેશન માટે રૂ.૨-૩ લાખનો ખર્ચ જણાવવામાં આવ્યો હતો.
આર્થિક રીતે સાધારણ સ્થિતિ ધરાવતા મીનાબેનના પરિવારને આ ખર્ચ પોષાય તેન હોવાથી તેમણે વધુ તપાસ કરી. જેમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મળતી નિ:શુલ્ક આરોગ્ય સેવા વિષે જાણ થતાં તેઓ સ્મીમેરના પ્રોફેસર ડૉ.હરીશ ચૌહાણ પાસે નિદાન માટે આવ્યા હતા. યોગ્ય તપાસ બાદ તેમના પેટમાં સ્વાદુપિંડની જવલ્લે જ જોવા મળતી ૧૯x૧૪ સે.મી.ની મસમોટી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. અન્ય જરૂરી તમામ તપાસ કરાવ્યા બાદ તા.૧ ઓક્ટો.ના રોજ ડૉ. હરીશ અને તેમની ટીમ દ્વારા ૬:૩૦ કલાકની જટિલ સર્જરી કરી દર્દીના પેટમાંથી સ્વાદુપિંડની ૧.૧૦ કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. જેને વધુ તપાસ માટે બાયોપ્સી સહિતના ટેસ્ટ માટે લૅબોરેટરીમાં મોકલાઈ હતી. ઓપરેશન બાદ અંદાજે ૧૦ દિવસની સારવાર બાદ દર્દી મીનાબેન સંપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. પરિવારજનોએ મીનાબેનના સફળ ઈલાજ કરવા બદલ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application