નવસારી અને ડાંગ જિલ્લો મળી કુલ 5 વિધાનસભા બેઠકો છે અને આમાંની લગભગ તમામ બેઠકોમાં કોઈક ને કોઈક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર યા મતદાન બહિષ્કારની જાહેરાત કરી તેના બોર્ડ પણ લગાવી દેવાયા છે. કોઈક બેઠક ઉપર એક જગ્યાએ તો નવસારી, ડાંગ જેવી બેઠક ઉપર તો બે થી વધુ જગ્યાએ મતદાન બહિષ્કારની જાહેરાત થઈ છે. જોકે બહિષ્કાર કરવાના કારણો તમામ જગ્યાએ અલગ અલગ છે.
જિલ્લામાં વર્ષોથી અલગ અલગ ચૂંટણીનાં સાક્ષી રહેલ સિનિયર સિટીઝન પણ જણાવે છે કે, આટલી બધી જગ્યાએ મતદાન બહિષ્કારની જાહેરાત ભૂતકાળમાં થઈ નથી. હાલ તો બહિષ્કારની જાહેરાત કરાઈ અને તેના બોર્ડ મુકાયા છે પણ આગામી સમયમાં મતદાન માટે સમજાવટ થાય અને મતદાન થાય કે નહીં તે જોવું રહ્યું. વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 60 વર્ષથી જિલ્લામાં ચૂંટણીઓ જોઈ છે પરંતુ આટલી બધી જગ્યાએ મતદાન બહિષ્કારની સ્થિતિ જોઈ નથી. નારાજગી હોય પરંતુ મતદાન તો કરવું જ જોઈએ એમ હું માનુ છું. (વિરેન્દ્ર દેસાઇ, એડવોકેટ, નવસારી)
જયારે મતદાન બહિષ્કાર કરવાનું કારણ તંત્ર સામેની નારાજગી તો હોઈ શકે પરંતુ એક વર્ગની નારાજગી એક પક્ષ સામે નહીં પણ તમામ પક્ષ સામે પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ‘નોટા’નાં મત વધી શકે છે તથા ગત ચૂંટણી કરતા ઓછુ મતદાન થવાની શક્યતા પણ પૂર્ણત: નકારી શકાઈ નહીં.
ચૂંટણી બહિષ્કારનાં કારણો....
જમાલપોર સર્વોદયનગર -રાધાકૃષ્ણ મંદિર ડિમોલિશનનું પ્રકરણ, અંચેલી-રેલવે ટ્રેનોનાં સ્ટોપેજનું કારણ, અમલસાડ-રેલવે ફાટક બંધ પ્રકરણ, યોગીનગર વિજલપોર-વરસાદી પાણી, ડ્રેનેજની સમસ્યા-વાટી,તા. વાંસદા, અંબિકા નદી પર પુલની માંગ, બીલીમોરા ભાગ્યલક્ષ્મી સોસાયટી, જલાશિવ સોસાયટી, નવજીવન કોલોની દેસરા-ટીપી સ્કિમમાં સમાવવાનો વિવાદ, રાનવેરીખુર્દ-ખરોલી : આદિવાસીઓના વિવિધ પ્રશ્ને,પીપલદહાડ જોમનસોઢા ડાંગ-બિસ્માર રસ્તો, ગિરાદાબધર, કામદ, બિલમાડ, ડાંગ-બિસ્માર રસ્તો, કોસીમપાતળ, મોટીદબાસ ડાંગ-રસ્તો અને પુલની માંગ વગેરે જેવા કારણો..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500