સરકારે આધાર નિયમમાં સુધારો કર્યો છે, જેના હેઠળ હવે આધારકાર્ડ ધારકે દર 10 વર્ષે ઓછામાં ઓછું એક વખત ઓળખ અને રહેણાંક સંબંધિત દસ્તાવેજોને અપડેટ કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર ગેઝેટપત્રમાં પ્રકાશિત નોટિફિકેશન મુજબ આધાર અપડેટ થવાથી સેન્ટ્રલ આઈડેન્ટીટી ડેટા રિપોઝિટરીમાં સંબંધિત માહિતીની સાતત્યપૂર્ણ એક્યુરસી સુનિશ્ચિત થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, આધાર ધારકે આધારનાં એનરોલમેન્ટની તારીખથી દર 10 વર્ષ પૂરા થતા પહેલાં ઓછામાં ઓછા એક વખત ઓળખ અને રહેણાંક પ્રમાણપત્રવાળા દસ્તાવેજો અપડેટ કરાવવાના રહેશે.
તેનાથી સીઆઈડીઆરમાં આધાર સંબંધિત માહિતીની સાતત્યના આધારે ચોક્સાઈ સુનિશ્ચિત થશે. સૂત્રોએ જણાવ્યું કે, આધાર (એનરોલમેન્ટ અને અપડેટ) રેગ્યુલેશન્સની જોગવાઈઓમાં ફેરફાર કરાયો છે. આધાર નંબર આપતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈએ ગયા વર્ષે લોકોને આગ્રહ કર્યો હતો કે, આધાર કાર્ડધારકને આધાર નંબર મેળવ્યાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય અને તેમણે સંબંધિત માહિતી ફરીથી અપડેટ ન કરાવી હોય તો તેમણે ઓળખ અને રહેણાંક પ્રમાણપત્રોના દસ્તાવેજો અપડેટ કરાવવા જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500