બેઠકમાં સેફ્ટી કિટ, આવાસ, મેડિકલ કેમ્પ, જેવી જરૂરી સુવિધાઓ સમયસર અને સચોટ કરવા સૂચનો કર્યા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકારના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારે તાજેતરમાં જ ઉમરગામના સોળસુંબામાં ગટર સફાઈ વખતે બનેલી દુર્ઘટના અંગે ૧૨મી એપ્રિલના રોજ વલસાડ જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક કરી હતી. સફાઈ કર્મચારીઓ તથા તેમના આશ્રિતોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જીવનનું અધ્યયન કરવા, તેમના પુર્નવાસ માટે સ્વરોજગાર યોજના અને ગટર ગુંગળામણથી સફાઈ કર્મચારીઓના મૃત્યુની ઘટના સબંધિત બેઠકમાં વલસાડ જિલ્લાની પાંચેય વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ અને પારડી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
તેમજ મહિલા સમૃધ્ધિ અને માઈક્રો ક્રેડિટ ફાઈનાન્સ યોજનાના સાત જેટલા લાભાર્થીઓને રૂ.૧ લાખના સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું. બેઠકમાં આયોગના ઉપાધ્યક્ષે દરેક પાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને સેફ્ટી કીટ કે જેમાં ગ્લોવ્ઝ, યુનિફોર્મ, સિઝન મુજબ રેઈનકોટ વગેરે તેમજ દરેક કર્મચારીનું સમયસર મેડિકલ ચેકઅપ થાય છે કે નહીં, નિવૃત થયેલા કર્મચારીઓને પેન્શન અને ગ્રેડ્જ્યુઇટી સમયસર મળી રહી છે કે નહી, નિવૃત થનારા કર્મચારીઓના પેન્શનની કામગીરી, પગાર અને પીએફ સમયસર જમા થાય છે કે કેમ, તેમજ તેમને આવાસોની સુવિધા વગેરેની સમીક્ષા કરી હતી. તેમજ આ સફાઈ કર્મચારીઓ માટે દર ત્રણ મહિને ફુલ બોડી ચેકઅપ કરાવવા માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવા, જે પાલિકાના સફાઈ કર્મચારીઓ પાસે આવાસની વ્યવસ્થા નથી તેમના માટે પગલા લઈ આવાસની વ્યવસ્થા ઉભી કરવાની પ્રક્રિયા શરૂ કરવા, મહિલા અને પુરૂષ કર્મચારીઓ માટે ચેન્જિંગ રૂમની વ્યવસ્થા ઉભી કરવા, સફાઈ કર્મચારીઓને એમની કામગીરીમાં જરૂરી દરેક સુવિધાઓ મળે તેની કાળજી રાખવા તેમજ ઈમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે દરેક સફાઈ કર્મચારીઓના આઈ કાર્ડ બનાવી તેમાં તેમના બ્લડ ગૃપનો ઉલ્લેખ કરવા પણ સૂચનો કર્યા હતા.
સાથે સાથે ઉમરગામમાં થયેલી દુર્ઘટના હવે પછી ભવિષ્યમાં ન બને તેની પણ તકેદારી રાખવા સૂચન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સફાઈ કર્મચારી એમના સ્વાસ્થ્યને જોખમમાં મુકી સ્વચ્છતાનું શ્રેષ્ઠ કાર્ય કરે છે. આ કાર્ય બદલ એમનું પુરતું સન્માન કરવું આપણી ફરજ છે. આ સફાઈ કર્મચારીઓની નાની પરંતુ મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ લાવવાથી એમના જીવનમાં ઘણી સરળતા આવી શકે એમ છે. એમએસટી એક્ટ-૨૦૧૩ હેઠળ કર્મચારી પાસે ગટરમાં અંદર ઉતરીને સફાઈ કામગીરી કરાવવી એ સજાપાત્ર ગુનો બને છે તેથી આ એક્ટ હેઠળ રહીને જ સફાઈ કામગીરી કરાવવી.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના નેજા હેઠળ આવતા સફાઈ કર્મચારી આયોગ દ્વારા સફાઈ કર્મચારીઓના અશ્રિતો માટે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે કાર્ય કરે છે. તેના માટે આ આયોગ નવો ધંધો શરૂ કરવા ૧ લાખની આર્થિક સહાય, કર્મચારીઓના બાળકો માટે વિદેશમાં શિક્ષણ અર્થે રૂ.૨૦ લાખ અને દેશમાં શિક્ષણ માટે રૂ.૧૦ લાખ સુધીની નજીવા વ્યાજદરે લોન આપે છે. કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ ઉપાધ્યક્ષશ્રીએ કરેલા સૂચનો અંગે વહીવટી તંત્ર જરૂરી પગલા લઈ સફાઈ કર્મચારીઓને સહાયરૂપ થતી કામગીરી કરશે તેમજ દર ત્રણ મહિને યોજાતી બેઠકમાં હવેથી સફાઈ કર્મચારીઓની સમસ્યાઓને લગતા પ્રશ્નો પણ આવરી લેવામાં અવશે એમા જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500