કોંગ્રેસી નેતા આનંદ શર્માએ પાર્ટીના હિમાચલ પ્રદેશ એકમના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. થોડા સમય પહેલા પાર્ટીના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પણ આવું જ કર્યું હતું. આનંદ શર્માએ પોતે પાર્ટીના હિમાચલ પ્રદેશ યુનિટની 'સંચાલન સમિતિ'નાં પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હોવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, પાર્ટીનાં જમ્મુ કાશ્મીર યુનિટનાં અનુભવી નેતા ગુલામ નબી આઝાદે પણ આ પ્રકારે રાજીનામુ ધરી દીધું હતું. આનંદ શર્મા ભારત સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ તથા કાપડનાં પ્રભારી પૂર્વ કેન્દ્રીય કેબિનેટના મંત્રી છે. જૂન 2014થી તેઓ ભારતીય સંસદના ઉપરી સદન, રાજ્યસભામાં વિપક્ષના ઉપનેતા છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગત મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદને કેન્દ્રશાસિત પ્રદેશમાં પાર્ટીના પ્રચાર સમિતિ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. જોકે આઝાદે તે પ્રસ્તાવને નકારી દીધો હતો. તે સમયે જમ્મુ અને કાશ્મીરમાં સંગઠનમાં સુધારા માટે ગાંધીએ આઝાદના નજીકના ગણાતા વકાર રસૂલ વાનીને જમ્મુ કાશ્મીર એકમના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.
જયારે ગુલામ નબી આઝાદ કોંગ્રેસના G-23 ગ્રુપના પ્રમુખ સદસ્ય છે અને તે ગ્રુપ પાર્ટીના નેતૃત્વનું ટીકાકાર રહ્યું છે. ઉપરાંત તેમના દ્વારા સતત એક સંગઠનાત્મક ફેરફારની પણ માંગણી કરવામાં આવતી રહી છે. આઝાદને રાજ્યસભામાંથી સેવાનિવૃત્ત થયા બાદ ફરી ઉચ્ચ સદનમાં નહોતા મોકલવામાં આવ્યા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500