કેરળમાં રહેતું એક 15 મહિનાનું બાળક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડિત છે. બાળકના માતા-પિતા સારંગ મેનન અને અદિતિ નાયરે બાળકની બીમારીની સારવાર માટે ક્રાઉડફંડિંગ કરવાનું નિર્ણય લીધો. બાળકનું નામ નિર્વાણ છે અને આ વર્ષે જાન્યુઆરીમાં તેને SMA હોવાનું નિદાન થયું હતું.
કપલને સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે એક અજાણ્યા વ્યક્તિએ બાળકની સારવાર માટે પોતાનું નામ જાહેર કર્યા વિના 11 કરોડ રૂપિયા દાનમાં આપી દીધા. સારંગ મેનન અને અદિતિ નાયર કેરળના પલક્કડના રહેવાસી છે પરંતુ મુંબઈમાં રહે છે. મળતી માહિતી મુજબ બાળકની સારવારનો ખર્ચ લગભગ 17.5 કરોડ રૂપિયા છે.
નોવાર્ટિસ (ફાર્માસ્યુટિકલ કંપની)ની ઝોલ્જેન્સમા આ રોગ માટે એક વખતની દવા છે. આપને જણાવી દઈએ કે SMA એ આનુવંશિક રોગ છે જે મોટર ન્યુરોન્સન ઉણપના કારણે સ્નાયુઓ નબળા અને શરીરની વૃદ્ધિની ઝડપ ઘટાડે છે. આ રોગ શ્વાસ લેવા અને ખોરાક ગળવા જેવી દૈનિક પ્રવૃત્તિઓને ખૂબ જ મુશ્કેલ બનાવે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિ મૃત્યુ પામે છે.
તેમણે ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું. 19 ફેબ્રુઆરી સુધી તેમના ખાતામાં 5.42 કરોડ રૂપિયા જમા થયા હતા. 20 ફેબ્રુઆરીના રોજ પરિવારે તેમના ફેસબુક પેજ પર જાહેરાત કરી કે એક અજાણ્યા દાતાએ તેમના પુત્રની સારવાર માટે તેમના ખાતામાં 14 લાખ ડોલર જમા કરાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 72,000 લોકોએ નિર્વાણની સારવાર માટે દાન આપ્યું છે, જેમાં અજાણ્યા વ્યક્તિનું દાન પણ સામેલ છે. સારંગ અને અદિતિએ અજાણી વ્યક્તિનો આભાર માન્યો અને કહ્યું કે હવે તેમને સારવારના ખર્ચને પહોંચી વળવા માત્ર 80 લાખ રૂપિયાની જરૂર છે.
આ સિવાય તેઓ રાજ્ય મંત્રી વીણા જ્યોર્જ અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને મળ્યા અને તેમના બાળક માટે જરૂરી દવાઓ પર GSTમાંથી મુક્તિની માંગ કરી હતી. નિર્વાણના પિતા સારંગે મીડિયાને કહ્યું, 'અમને ખબર નથી કે પૈસા કોણે ડોનેટ કર્યા છે, આ અમારા માટે એક ચમત્કાર સમાન છે. જ્યારે અમે આટલી મોટી રકમનું દાન આપનાર મિલાપ સંસ્થાનો સંપર્ક કર્યો તો તેઓએ જણાવ્યું કે દાતા પોતાનું નામ જાહેર કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે વિશ્વમાં માનવતા હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. દુનિયાના કોઈ ખૂણામાં બેઠેલી વ્યક્તિ આપણા બાળક માટે આવું કરે તે ખૂબ જ સુખદ છે. તે વ્યક્તિ કોઈપણ હોય, આપણા માટે તે ભગવાન સમાન છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500