ગાંધીનગરના સેકટર – 11 રામકથા મેદાનમાં વરલી મટકાંનો અડ્ડો શરૂ થયો હોવાની બાતમી મળતાં જ લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને સેકટર – 12 ના વૃદ્ધને આબાદ રીતે ઝડપી પાડી રોકડ રૂપિયા તથા જુગાર નું સાહિત્ય મળી કુલ રૂ. 12 હજાર 240 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર સેકટર – 11 રામકથા મેદાનમાં છેલ્લા ઘણાં દિવસથી વરલી મટકાંનો અડ્ડો શરૂ થતાં જુગારીઓની અત્રેના વિસ્તારમાં ચહલ પહલ વધી ગઈ હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમ સેકટર – 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી.
એ દરમિયાન બાતમી મળેલી કે, રામકથા મેદાન ખુલ્લામાં ક્રોમા શો રૂમની સામે કાળા સફેદ જાંબલી કલરની પટ્ટાવાળી ટી શર્ટ – બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ ઈસમ વરલી મટકના આંક લખી પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા એક ઝાડ નીચે બેસીને એક ઈસમ વરલી મટકાંના આંકડા લખતો જોવા મળ્યો હતો. જેને ચારે દિશા કોર્ડન કરીને પકડી લઈ પોલીસે પૂછતાંછ હાથ ધરતા તેણે પોતાનું નામ મહમંદ ઇબ્રાહીમ ગુલામ અબ્બાશ મન્સુરી (ઉ.વ. 51, રહેવાસી -સેકટર- 12/બી પ્લોટનં. 482/2) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે તેની પાસેના જુગારના સાહિત્યની ચકાસણી કરી હતી. જેમાં બે ચીઠ્ઠીમાં અલગ અલગ આંકડા લખેલા જોવા મળ્યા હતા. જે અંગે મહમંદની વિગતવાર પૂછતાંછ કરતાં તેણે ચિઠ્ઠીઓમાં સમય તેમજ બજારનો આંક લીધો હોવાનું જણાવી વરલીના આંક બપોરના 1.10 વાગે ખુલતા હોવાની વધુમાં કબૂલાત કરી હતી. આ વરલી મટકાના આંક આગળ તે કપાત લખાવતો ન હતો. બાદમાં પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન તેમજ 11 હજાર 740 રોકડા તથા જુગારનું સાહિત્ય જપ્ત કરી મહમદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500