વાપીમાં આવેલ સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઇઝ ભવનના પહેલા માળે, રૂમ નં. 103 ડિવિઝન-11માં ફરજ બજાવતા વર્ગ 2ના સુપ્રિટેન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીના અને ઇન્સ્પેકટર, વર્ગ-2, (નોન ગેઝેટડ), ગુરપિન્દર મુખ્તિયાર સિંઘ દ્વારા લેબર કોન્ટ્રાકટર પાસે 20 હજારની લાંચની માંગણી કરી હતી. જે અંગે ACB સુરત એકમના પોલીસ ઇન્સપેકટર એ. કે. ચૌહાણની ટીમેં ગોઠવેલ છટકામાં સુપ્રિટેન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીનાને લાંચ ની રકમ સ્વીકારતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ ફરીયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે,તેમના માતૃશ્રી લેબર કોન્ટ્રાકટને લગત પેઢી ધરાવે છે. જે હાલમાં બંધ છે.
આ પેઢીનો સર્વિસ ટેક્ષ ભરવાનો બાકી હોવાથી, સેન્ટ્રલ GST વિભાગ તરફથી ટેક્ષ ભરવાનો ઓર્ડર આવ્યો હતો. જે અન્વયે ઇન્સ્પેકટર ગુરપિન્દર મુખ્તિયાર સિંઘે ફરીયાદીનો મોબાઈલ નંબર મેળવી તેને વાપી ખાતે સેન્ટ્રલ GSTની ઓફિસે બોલાવેલ અને સર્વિસ ટેક્ષની રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે ભરવા જણાવેલ. જે કાયદેસર ભરવા પાત્ર રકમ ફરીયાદી તરફથી ભરી દેવામાં આવી હતી. ત્યાર બાદ, ઇન્સ્પેકટર ગુરપિન્દર મુખ્તિયાર સિંઘ અને સુપ્રિટેન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીનાએ એક બીજાના મેળાપીપણામાં ફરીયાદી પાસે 20 હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતાં ના હોય, તેમણે ACB સુરત એકમનો સંપર્ક કરતા પોલીસ ઇન્સપેકટર એ.કે.ચૌહાણની ટીમેં 16મી ઓગસ્ટના એક છટકું ગોઠવી સુપ્રિટેન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીનાને 20 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
જ્યારે ઇન્સ્પેકટર ગુરપિન્દર મુખ્તિયાર સિંઘ તપાસ દરમ્યાન નહિ મળતા તેની ભાળ મેળવવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ACB સુરત એકમના ફિલ્ડ ઇન્સ્પેકટર શ્રીમતિ એ.કે.ચૌહાણની ટીમે ACB સુરત એકમના મદદનીશ નિયામક એન. પી. ગોહિલના સુપર વિઝન હેઠળ સફળ ટ્રેપ કરી લાંચીયા અધિકારીને દબોચી લીધો હોય અન્ય લાંચીયા અધિકારોમાં ફફડાટ ફેલાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500