સુરતથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ગોડાદરા પ્રતાપ ચોક પાસે આવેલી ઋષિનગર સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલી માત્ર 2 વર્ષીય માસૂમ બાળકીને એક થ્રી-વ્હીલર ટેમ્પોચાલકે અડફેટે લેતા માસૂમ બાળકીનું દુ:ખદ મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી ટેમ્પોચાલકની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, સુરતના ગોડાદરા પ્રતાપ ચોક પાસે આવેલી ઋષિનગર સોસાયટીમાં મૂળ બિહારના અખિલેશ યાદવ પરિવાર સાથે રહે છે અને તેઓ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બપોરના સમયે અખિલેશ યાદવની 2 વર્ષીય દીકરી અનુષ્કા ઘર બહાર રમતી હતી. દરમિયાન નજીકમાં રહેતા અને પાણીની ડિલિવરી કરતા એક થ્રી-વ્હીલર ટેમ્પોચાલકે બાળકીને અડફેટે લીધી હતી. ટેમ્પો નીચે આવી જતાં માસૂમ અનુષ્કાને ગંભીર ઈજાઓ થઇ હતી. દરમિયાન બાળકીના ગળા પરથી ટેમ્પોનું વ્હીલ ફરી વળ્યું હતું.
બાળકીના મોતથી પરિવારમાં શોકનું મોજું છવાયું
આ અકસ્માતની જાણ થતા પરિવાર બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. હસતી રમતી માસૂમ બાળકી અચાનક જ અકસ્માતનો ભોગ બની જતા પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી ટેમ્પોચાલકની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500