સોનગઢ પોલીસ મથકે ગત સને-2017માં નોંધાયેલા ગુનાનાં આરોપીને આજીવન કેદની સજા થતાં તેને લાજપોર જેલ મોકલવામાં આવ્યો હતો. જોકે આ આરોપી હાઈકોર્ટ માંથી 10 દિવસનાં વચગાળાનાં જામીન મેળવી બાદમાં ફરાર થઈ જતાં જેલરે એ કેદી સામે ફરિયાદ નોંધાવી હતી. મળેલી વિગત પ્રમાણે મૂળ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે રહેતો યાકુબ ચંદુભાઈ ગામીત સામે ગત-2017નાં વર્ષમાં સોનગઢ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ થયો હતો અને પોલીસે તેની આ ગુનામાં ધરપકડ કરી તેની સામે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. યાકુબ ગામીત સામે કોર્ટમાં કેસ ચાલી જતાં ગત તા.11/4/19નાં રોજ નામદાર જજે તેને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. એ પછી સોનગઢ પોલીસે તેને આજીવન કેદની સજા ભોગવવા માટે લાજપોર જેલ મોકલી આપ્યો હતો.
આમ, લાજપોર જેલમાં બંધ પાકા કામનાં આ કેદી યાકુબ ગામીત જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને એ આધારે હાઈકોર્ટ દ્વારા કેદી યાકુબ ગામીતનાં 10 દિવસનાં વચગાળાનાં જામીન મંજૂર કરવામાં આવ્યાં હતા, જેથી લાજપોર જેલનાં સ્ટાફ દ્વારા ગત 21/10/22નાં રોજ તેને ચાંપાવાડી ખાતે મુક્ત કરવામાં આવ્યો હતો. આ કેદીને 10 દિવસ પછી 1/11/22નાં રોજ ફરીથી લાજપોર જેલ ખાતે હાજર થવાનું હતું પણ તે પેરોલ જમ્પ કરી નાસી ગયો હતો.
આ અંગે લાજપોરનાં પોલીસ સ્ટાફ દ્વારા તાપી પોલીસ વડા અને સોનગઢ તથા વ્યારાનાં પોલીસ ઇન્સ્પેક્ટરોને સદર કેદીને ઝડપી પાડવા જાણ કરવામાં આવી હતી પણ તે મળી આવેલ ન હતો. આ બાબતે લાજપોર જેલના જેલર આર એસ કુડેચાએ સુરતના સચિન પોલીસ મથકે પાકા કામના કેદી સામે ફરિયાદ લખાવતાં આ ફરિયાદના કાગળો સોનગઢ પોલીસ મથકે મોકલવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસે ભાગી ગયેલા કેદી યાકુબ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500