ઓસ્ટ્રેલિયા સાથેના કરારને પરિણામે દેશમાં ઓસ્ટ્રેલિયા ખાતે અનેક ચીજવસ્તુની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયા સાથેના કરાર હેઠળ ભારતના અનેક પ્રોડકટસ પર ડયૂટીમાં રાહત પૂરી પાડવામાં આવી છે. ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે વિસ્તૃત સ્તરના વેપાર કરાર દેશમાં લોકસભાની ચૂંટણી બાદ થવા વકી છે. ભારતની કૃષિ બજારમાં પણ પોતાની હાજરી મેળવવા ઓસ્ટ્રેલિયાએ ઈરાદો વ્યકત કર્યો છે. જોકે ભારતે આ સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાને કોઈ ખાતરી આપી નથી. માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં યુરોપ તથા યુકે સહિતના કેટલાક દેશો કૃષિ ક્ષેત્રમાં પગપેસારો કરવા માગે છે.
ગયા વર્ષના ડિસેમ્બરના અંતથી અમલી બનેલા ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) બાદ ભારત ખાતેથી ઓસ્ટ્રેલિયામાં ફાર્માસ્યૂટિકલ્સ, એપરલ, ઈલેકટ્રોનિક માલસામાન તથા એન્જિનિયરિંગ ઉત્પાદનો સહિતની અનેક ચીજવસ્તુની નિકાસમાં વધારો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ખાતેથી સીફૂડ, સાઈટ્રસ, બદામ વગેરેની નિકાસમાં પચાસ ટકા જેટલો વધારો થયાનું જોવા મળે છે. વર્તમાન વર્ષના એપ્રિલથી નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ખાતે ભારતની નિકાસ 14 ટકા વધી 5.80 અબજ ડોલર રહી છે જ્યારે આયાત 19 ટકા ઘટી 11.14 અબજ ડોલર રહી હતી.
ઓસ્ટ્રેલિયા ખાતેથી ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)માં પણ વધારો જોવા મળી રહ્યાનું સુત્રોએ ઉમેર્યું હતું. ઊંચી ગુણવત્તા સાથેના ઓસ્ટ્રેલિયન પ્રોડકટસ પર ટેરિફમાં કપાતને પરિણામે 1લી જાન્યુઆરથી ભારત ખાતે ઓસ્ટ્રેલિયાના પ્રોડકટસ વધુ સ્પર્ધાત્મક બની રહેશે એમ વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. એન્જિનિયરિંગ ગુડ્સ, ઇલેક્ટ્રોનિક્સ, એપેરલ અને દવાઓમાં ભારતથી ઓસ્ટ્રેલિયામાં નિકાસ ઉત્પાદનોમાં વધારો થયો છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, ભારત-ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ડયૂટીમાં મુક્તિને કારણે આ માલની નિકાસમાં વધારો થયો છે.
ભારત-આસ્ટ્રેલિયા ટ્રેડ એગ્રીમેન્ટ એક વર્ષ પહેલા તારીખ 29 ડિસેમ્બર, 2022ના રોજ કરાયો હતો. સરકારી સુત્રોએ જણાવ્યું કે, આ વેપાર કરારમાં જે ઉત્પાદનોને ડયુટીમાં છૂટ મળી છે તેની નિકાસ વધી છે. ઓસ્ટ્રેલિયન સરકારે નિવેદનમાં જણાવ્યું છે કે, આ વેપાર કરારના અમલ પછી ઓસ્ટ્રેલિયાથી ભારતમાં કૃષિ નિકાસમાં 50 ટકાનો વધારો થયો છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાની ઔદ્યોગિક નિકાસમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે, ખાસ કરીને દવાઓ, લાકડું અને કાગળ અને કોકલિયર ઇમ્પ્લાન્ટ સામેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500