Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાનગી કંપનીનાં કર્મચારીએ અન્ય સાથે મળી કમિશનની લાલચમાં કંપનીને લાખો રૂપિયાનો ચુનો ચોપડ્યો

  • June 14, 2024 

વડોદરા જિલ્લાના કરજણમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારીએ અન્ય સાથે મળીને કમિશનની લાલચમાં કંપનીને લાખોનો ચુનો ચોપડ્યો છે. કંપનીના ઓડિટરને આ વાતની જાણ થતા બંને વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કંપનીના કર્મચારીએ ડિજીટલ ડેટા ડિલીટ કરીને કોઇને જાણ ન થાય તેની તરકીબ અજમાવી હતી. પરંતુ આઇટી ટીમે ડિલીટ થયેલી કેટલીક ફાઇલો રીકવર કરી છે. જેથી કંપનીને લાખો રૂપિયાનો ચુનો ચોપડનાર બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કરજણ પોલીસ મથકમાં રાહુલ કુમાર શાહ (રહે.શિનોવ પેલેડીયમ, ભાયલી)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ખાનગી કંપનીમાં ઓડિટર તરીકે નોકરી કરે છે.


તેમની કંપનીમાં રો-મટીરીયલ તરીકે ઇન્સ્યુલેશન શીટનો ઉપયોગ થાય છે. કંપનીએ શીટના પ્રોસેસીંગ અર્થે વર્ષ 2019માં એમ.કે.એસ. એન્ટરપ્રાઇઝ (માઇ ખુર્દ, કોહદારઘાટ, અલ્હાબાદ)ના પ્રોપ્રરાયયર મનોકકુમાર સાધુપ્રસાદ શર્મા (રહે.આક્રોલી કરમ ઇન્ડસ્ટ્રીઝ પાછળ,ઉત્તરાખંડ)નાંને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેને શીટ કટીંગ જોબ વર્કના પ્રતિકીલો રૂપિયા 33 ચુકવતા હતા. તે કંપનીમાં રહેતા અને શીટ વાઇન્ડીંગ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવતા હતા. બાદમાં તેમના બીલો એકાઉન્ટ વિભાગમાં જમા કરાવતા હતા. જેના પૈસા ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી જમા કરાવવામાં આવતા હતા. તાજેતરમાં કંપનીને જાણ થઇ કે, ઇન્સ્યુલેટ શીટ કટીંગનો ભાવ ખરેખર રૂપિયા 17 પ્રતિ કિલો છે.


પરંતુ મનોજકુમાર શર્મા રૂપિયા 33 પ્રતિ કિલો ભાવ વસુલતા હતા. તેણે રજુ કરેલા બીલોમાં કોન્ટ્રાક્ટ જરૂરીયાત મુજબના દસ્તાવેજો ન હતા. બીલમાં લખ્યા મુજબ શીટનું વજન કર્યાના કોઇ અન્ય પુરાવા પણ મુક્યા ન હતા અને વિતેલા ચાર વર્ષ દરમિયાન કોઇ ભાવ વધારો પણ તેણે માંગ્યો ન હતો. તેના કામ સામે વર્ષ 2019માં રૂપિયા 1.35 કરોડ ચુકવ્યા હતા. જે ખરેખર ભાવની સરખામણીએ ગણીએ તો રૂપિયા 65.49 લાખ વધુ હતા. કંપનીના કહેવાથી મનોજ કુમાર શર્માને વર્ષ 2024માં બોલાવવામાં આવ્યા હતા. તેની પુછપરછ કરતા કંપનીના ઇન્સ્યુલેશન ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ આનંદકુમાર બ્રિદેશ્વર સહાય પણ તેમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું બંનેએ મેળાપીપણામાં રૂપિયા 17 પ્રતિ કિલોની જગ્યાએ રૂપિયા 33 પ્રતિ કિલો કોન્ટ્રાક્ટમાં જણાવ્યા હતા.


તે પૈકી આશરે 20 ટકા તે આનંદકુમાર બ્રિદેશ્વર સહાયને ચુકવતો હોવાનું જણાવ્યું હતું. તેણે કુલ રૂપિયા 39.28 લાખ બ્રિદેશ્વરને ચુકવ્યા હોવાની હકીકત જણાવી હતી. જે અંગે તેણે સોગંદનામું પણ કર્યું છે. સોગંદનામું કર્યા બાદ મનોજકુમાર કંપનીમાં આવ્યો ન હતો. તેની તપાસ કરતા તે નાસી ગયો હોવાનું જણાઇ આવ્યું હતું. જે બાદ આનંદકુમાર બ્રિદેશ્વર સહાય વિરૂદ્ધ કંપનીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તેના બેંક સ્ટેટમેન્ટની તપાસ કરતા જાણવા મળ્યું કે, તેના ખાતામાંથી રૂપિયા 36.90 લાખ જમા થયા છે. જે બાદ તેનું સોગંદનામું કરાવવામાં આવ્યું હતું. આનંદકુમાર બ્રિદેશ્વર સહાયના કોમ્પ્યુટરની તપાસ કરવામાં આવતા તેણે વજનની એક્સેલ શીટો ડીલીટ કરી દીધી હતી. જે પૈકી થોડીક ફાઇલો આટી ટીમે રીકવર કરી હતી. બોગસ બીલો બનાવી કંપની પાસેથી રૂપિયા 65.49 લાખ પડાવી છેતરપીંડિ આચરનાર મનોજકુમાર સાધુ પ્રસાદ શર્મા (રહે.આક્રોલી કરમ ઇન્ડસ્ટ્રીઝ પાછળ, ઉત્તરાખંડ) અને આનંદકુમાર બ્રિદેશ્વર સહાય (રહે. આત્મીય હાઇટ્સ, માણેજા ક્રોસીંગ) સામે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ પોલીસે આરોપીઓને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News