મેઘાલયમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે આજરોજ સવારે લગભગ 3:46 વાગ્યે રાજ્યમાં તુરાથી 37 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી અને ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. આ પહેલા બુધવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશમાં બસરથી 58 કિમી ઉત્તર-પશ્ચિમ-ઉત્તરમાં બુધવારે સવારે 7:1 કલાકે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી અને ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. બીજી તરફ ગતરોજ વહેલી સવારે મહારાષ્ટ્રનાં નાસિકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો હતો કે, ભૂકંપની તીવ્રતા 3.6 હતી અને એપી સેન્ટર નાસિકથી 89 કિમી પશ્ચિમમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. આ પહેલા ગત તા.12 નવેમ્બરે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાત્રે લગભગ 8:00 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે, નેપાળમાં આ દિવસે સાંજે લગભગ 7:57 વાગ્યે 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. તેની અસર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી.
ગત તા.8 નવેમ્બરની મોડી રાત્રે દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા તે વખતે પણ કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 સુધી માપવામાં આવી હતી. ભારતમાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં 948 વખત ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. મોટા ભાગે જ્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 કરતા ઓછી હોય ત્યારે સામાન્ય રીતે આંચકા અનુભવાતા નથી. છેલ્લા 9 મહિનામાં ભારતમાં આવા 240 ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 4થી વધુ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500