Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૧૩ હપ્તામાં સુરત જિલ્લાના ૧૩૫૩૯૧ ખેડુતોના ખાતામાં ૨૯૭.૨૧ કરોડની રકમ જમા કરવામાં આવી છે

  • July 07, 2023 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોના પરિણામે સમગ્ર ભારતમાં ૧લી ડિસેમ્બર ૨૦૧૮થી ખેડુતોની આવક વધારવા તેઓના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને લઘુત્તમ આવકના આધાર તરીકે પ્રતિ વર્ષ ૬ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે. આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ છે.



સુરત જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન ૧૩ હપ્તામાં ૧૩૫૩૯૧ ખેડુતોના ખાતામાં ૨૯૭.૨૧ કરોડની સહાય સીધી જમા કરવામાં આવી છે. મહાનગરપાલિકા સહિત જિલ્લાના તાલુકાઓમાં લાભ લેનાર ખેડુતોની આંકડાકીય વિગતો જોઈએ તો સૌથી વધુ લાભ ઓલપાડ તાલુકાના ખેડુતો લઈ રહ્યા છે. ઓલપાડના ૨૭૮૧૪ ખેડુતોના બેંક ખાતામાં ૬૧૩૦.૯૮ લાખ સીધા જમા કરવામાં આવ્યા છે.



અન્ય તાલુકાઓની વિગતો જોઈએ તો માંગરોળમાં ૧૬૬૩૭ ખેડુતોને ૩૫૫૮.૪૮ લાખ, મહુવા તાલુકામાં ૧૯૦૦૬ ખેડુતોને રૂા.૪૧૭૬.૫૬ લાખ, બારડોલી તાલુકામાં ૧૧૪૭૧ ખેડુતોને ૨૫૮૯.૬૮ લાખ, કામરેજમાં ૧૦૨૮૬ ખેડુતોને ૨૨૮૮.૧૮ લાખ, માંડવીમાં ૨૨૧૯૪ ખેડુતોના ખાતામાં રૂા.૪૯૬૭.૧૪ લાખ, ઉમરપાડા તાલુકામાં ૧૩૧૬૦ ખેડુતોને રૂા.૨૮૦૯.૭૪, પલસાણા તાલુકામાં ૫૨૮૮ ખેડુતોને ૧૧૮૬.૩૨ લાખ, ચોર્યાસી તાલુકાના ૭૮૦૨ ખેડુતોના ખાતામાં ૧૬૯૦.૩૮ લાખ જમા કરવામાં આવ્યા છે.



જયારે શહેરી વિસ્તારમાં આવતા ઉધના તાલુકાના ૧૬ ખેડુતોના ખાતામાં ૨.૩૮ લાખ, મજુરાના ૩૨૯ ખેડુતોના ખાતામાં ૬૩.૫૨ લાખ, પુણાના ૧૯ ખેડુતોના ખાતામાં ૨.૦૪ લાખ, અડાજણના ૧૨૭૩ ખેડુતોને ૨૪૬.૮૦ લાખ જમા કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વડીયા ગામના ખેડુત પ્રકાશભાઈ પટેલ જણાવે છે કે, મને તથા મારા માતૃશ્રી મધુબેન પટેલને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે. વર્ષ દહાડે બન્નેના રૂા.૧૨,૦૦૦ ખાતામાં આવતા હોવાથી બિયારણ, નિદામણ તથા અન્ય ખર્ચમાં ધણી રાહત મળી રહેતી હોવાનું પ્રકાશભાઈ જણાવે છે.



સહાય અરજી માટે જરૂરી વિગતો….

ખેડુતનું નામ,

ગામ,

તાલુકો,

આધાર નંબર,

કેટેગરી,

IFSC કોડ અને

બેંક ખાતાની વિગતો.



ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ?


• આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ https://www.pmkisan.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કોઇ પણ ઇન્ટરનેટ સુવિધા ધરાવતા કેન્દ્ર ઉપરથી કરાવી શકે છે.

• અરજદાર https://www.pmkisan.gov.in પોર્ટલ તેમજ મોબાઇલ એપ્લીકેશન (PM Kisan App) ઉપરથી Farmer Corner માંથી પણ જાતે અરજી શકશે.

• અરજીની પ્રિન્ટ લઈ સાથે આધાર કાર્ડ, જમીનના લગતા ડોક્યુમેન્ટ જેવાકે ગામના નમૂના નં-૭, નમૂના નં-૮ અ તેમજ નમૂના નં-૬ (ખેડૂત તરીકે દાખલ થયાનું હક્ક પત્રક) ગ્રામ પંચાયત કચેરીમાં તલાટીશ્રી પાસે જમા કરાવવાના રહેશે.



જમીન ધારકતા માટે ધોરણો

• જમીન ધારકતાની ગણતરી માટે તા.૦૧/૦૨/૨૦૧૯ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે.

• જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી માલિકી હક્ક ટ્રાન્સ્ફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઇ પણ નવા જમીન ધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ.

• તા.૦૧/૧૨/૨૦૧૮થી તા.૦૧/૦૨/૨૦૧૯ સુધીના સમયગાળામાં જમીન ધારક તરીકે નોંધાયેલ જમીન ધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ મળવાપાત્ર થશે.

• આવા કિસ્સાઓ કે જ્યાં ખરીદી, વારસાઇ, વસિયતનામા, ભેટ સહિતના કારણોએ ખેડાણ લાયક જમીનની માલિકીના હક્ક તા.૦૧/૧૨/૨૦૧૮થી તા.૩૧/૦૧/૨૦૧૯ના સમયગાળામાં ટ્રાન્સફર થયા હોય તેવા કિસ્સામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ હપ્તા માટે ટ્રાન્સફર તારીખથી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા માટે ચાર મહિનાના પ્રમાણમાં લાભ મળવા પાત્ર થશે.




સહાય કોને મળવાપાત્ર નથી યોજના હેઠળ નીચે દર્શાવેલ ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડૂત કુટુંબ લાભ માટે ગેરપાત્ર ઠરશે. (અ) સંસ્થાકીય જમીનધારકો (બ) જમીન ધારક ખેડૂત કુટુંબમાંની કોઇ એક અથવા વધુ વ્યક્તિ કે જેઓનો નીચેના પૈકી કોઇમાં સમાવેશ થતો હોય.


૧.વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ ૨.વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી/રાજ્ય્કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા /રાજ્યસભા/વિધાનસભાના સભ્શ્રી, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી ૩.સેવારત અને નિવૃત્ત (તમામ)–કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી ૪. બ-૨/૩ પૈકીના તમામ વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ.૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના) ૫.છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application