પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલી આયુર્વેદિક ઉપચાર પ્રણાલી અંગે માર્ગદર્શિત કરવા માટે 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૨૦૨૩'ની ઉજવણી પ્રસંગે રાજપીપલાની કલરવ પ્રાથમિક શાળા ખાતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ‘આયુષ મેળો’ યોજાયો હતો. આયુષ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું કે, ભારત દેશ યોગની સાથે પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અંગે લોકજાગૃતિ આણવા સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી રહ્યો છે. માનવીના સ્વચ્છ અને સંયમિત તેમજ સર્વગ્રાહી આરોગ્યને સુનિશ્ચિત કરતા આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વિશે લોકો જાગૃત થાય તે માટે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. નાંદોદના ધારાસભ્યએ જણાવ્યું કે, ભારતના પ્રાચીનતમ ગ્રંથોમાં પરંપરાગત આયુર્વેદક ચિકિત્સા પદ્ધતિનો ઉલ્લેખ છે. આજે ફાસ્ટફુડના જમાનામાં એલોપેથીક ચિકિત્સા પદ્ધતિથી ત્વરિત સારવાર મળી રહે છે, ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ યોગની સાથે ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને ઉજાગર કરવા માટે સુદ્રઢ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ધારાસભ્યએ ઘરેલુ ચિકિત્સા માટે રસોડા-આંગણાની ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિ-મસાલાઓના ઉપયોગ વિશે માહિતગાર કરતા જણાવ્યું કે, ભારતીય યોગપ્રણાલી સાથે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પણ વિશ્વ અપનાવે તે માટે સૌ પ્રથમ નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અંગે જાગૃતિ કેળવાય અને નિરોગી રહે તે જરૂરી છે. વધુમાં ધારાસભ્યએ રસોડા અને આંગણાની ઔષધીઓના અસાધારણ લાભોથી નાગરિકોને માહિતગાર કર્યા હતા. જિલ્લા આયુર્વેદ અધિકારીએ પણ આ પ્રસંગે આયુષ મેળા થકી વિવિધ રોગોની સારવાર પદ્ધતિ અને આયુર્વેદના મહત્વ વિશે સમજણ પુરી પાડી વધુમાં વધુ લોકોને આયુષ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
“હર દિન હર કિસી કે લીએ આયુર્વેદ” અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં યોજાયેલા આયુષ મેળામાં લાગેલા સ્ટોલ થકી આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ-પંચકર્મ ચિકિત્સા, રસોડા-આંગણાની ઔષધીઓના અસાધારણ ગુણો અને ઘરગથ્થુ ઉપચાર, દિનચર્યા-ઋતુચર્યા સહિત પ્રકૃતિ પરિક્ષણ અંગે નિષ્ણાંત તબીબો/વૈધ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં પંચાયત હસ્તક કુલ ૧૬ આયુર્વેદ દવાખાના પૈકી ૯ નેશનલ આયુષ મિશન અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યરત છે. તેમજ ૨ દવાખાના હોમિયોપેથીના છે.
આ પ્રસંગે યોગ નિષ્ણાંતો દ્વારા યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન અને તેના ફાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને આયુષ મેળાની વિશેષતાઓની ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા. વિશ્વની સૌથી પ્રાચીનતમ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિને પ્રત્યેક નાગરિકો સુધી પહોંચાડી નિરોગી બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે, ત્યારે દેશના પ્રત્યેક નાગરિકની સુખાકારી અને દેશની સમૃદ્ધિ માટે મિલેટ્સની સાથે ભારતીય પરંપરાગત આયુર્વેદ વિશે જાગૃતતા કેળવીને લોકો અન્યને પણ જાગૃત કરે તે અતિમહત્વપૂર્ણ છે. શાળાના પટાંગણમાં યોજાયેલા આયુષ મેળામાં શાળાની બાળકીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીતની સુંદર પ્રસ્તૂતી કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500