અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનની હદમાં ખેડાથી અમદાવાદ જવાના રસ્તા પર મંગળવારે રાતના સમયે કારમાં દારૂનો જથ્થો લઇને જઇ રહેલા બુટલેગરની કારને રોકવા માટે પોલીસની PCRને ચેકપોસ્ટ રસ્તા પર ઉભી રાખી હતી. પરંતુ બુટલેગરે કારને રોકવાને બદલે PCR વાનને ટક્કર મારી હતી. જેમાં વાન પલ્ટી જતા આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.નીનામાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે એક પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે કણભા પોલીસે બુટલેગર સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મંગળવારે રાતના સમયે કણભા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, એક બુટલેગર ખેડાથી દારૂનો જથ્થો લઇને અમદાવાદ તરફ આવી રહી છે. જેથી પોલીસના સ્ટાફે એક કાર દ્વારા પીછો કર્યો હતો. આ દરમિયાન કણભા અમદાવાદ રસ્તા પરની ચેક પોસ્ટ પર PCR વાન પર એ.એસ.આઇ. બી.એમ.નીનામા તેમજ અન્ય સ્ટાફ હાજર હતો. બુટલેગરોની કાર આવતી હોવાનો મેસેજ એએસઆઇને મળ્યો હતો. જેથી તેમણે બુટલેગરના કારને PCR વાનને રોકવા માટે રસ્તામાં ઊભી રાખી હતી. પરંતુ બુટલેગરે કાર રોકવાને બદલે કારની ગતિ વધારીને PCR વાનને ટક્કર મારી હતી. જેથી PCR વાન પલ્ટી ગઇ હતી. જેમાં એએસઆઇ બી.એમ.નીનામા અન્ય એક પોલીસ કર્મચારીને ઇજાઓ પહોંચી હતી.
જોકે અકસ્માત બાદ કાર મુકીને બુટલેગર સહિતના લોકો ફરાર થઇ ગયા હતા. બીજી તરફ ત્યાં આવી પહોંચેલા પોલીસના સ્ટાફે પીસીઆર વાનમાં ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. પરંતુ એ.એસ.આઇ. બી.એમ.નીનામાનું સારવાર દરમિયાન મરણ થયું હતું. આ અંગે જીલ્લા પોલીસ વડા મેઘા તેવારે જણાવ્યું હતું કે, આ અંગે કણભા પોલીસ મથકે બુટલેગર સામે હત્યાનો ગુનો નોંધીને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસને કારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો પણ મળ્યો છે. મૃતક એ.એસ.આઇ. બી.એમ.નીનામા સાબરકાંઠા વિજયનગરના વતની હતા. જયારે બુધવારે શોક સલામ આપીને તેમના પાર્થિવ દેહને પરિવારને સોપવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500