ભારતની ચાર દિવસની યાત્રાએ આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 7 જુદા જુદા કરારો કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવનની બાજુમાં જ આવેલા હૈદ્રાબાદ હાઉસમાં બંને દેશો વચ્ચે થયેલા કરારો પૈકી સૌથી વધુ ભાર વિદ્યુત ક્ષેત્ર ઉપર મુકવામાં આવ્યો હતો. આ કરારો પર હસ્તાક્ષરો કર્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'હવે બંને દેશો વચ્ચેની ભાગીદારી સુપરહીટ બની રહેશે.' વડાપ્રધાન થયા પછી કોઈ પણ વિદેશની લીધેલી મુલાકાત પૈકી નરેન્દ્ર મોદી સૌથી પહેલા (2014માં) નેપાળની મુલાકાતે ગયા હતા અને ભગવાન પશુપતિનાથના મંદિરના દર્શને ગયા હતા.
મૂળભૂત રીતે સામ્યવાદી માઓ-ત્સે-તુંગને પોતાના 'પરોક્ષ ગુરુ' માનનારા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ જેઓ પ્રચંડના નામથી વધુ જાણીતા છે તેઓ પણ ભારતની યાત્રાએ (વડાપ્રધાન થયા પહેલા) ત્રણ વખત ભારત આવી ગયા હતા તે સમયે તેઓએ ભારતના વિવિધ મંદિરોમાં પૂજન-અર્ચન અને દર્શન કર્યા હતા. પ્રચંડની આ ચોથી ભારત યાત્રા છે તે સમયે તેઓ ઉજ્જૈન સ્થિત ભગવાન મહાકાલેશ્વરનાં દર્શને ગયા હતા. આ કરારો પછી મોદીએ કહ્યું હતું કે, 'મને યાદ છે કે નવ વર્ષ પૂર્વે 2014માં મેં મારી પહેલી વિદેશ યાત્રા જ નેપાળથી શરૂ કરી હતી.
તે સમયે મેં હિટ ફોર્મ્યુલા આપી હતી. જેમાં ભારત નેપાળ વચ્ચેના સંબંધો હાઇવેઝ, આઇવેઝ અને ટ્રાન્સવેઝ દ્વારા વધુ મજબૂત બનાવવા કહ્યું હતું. સાથે કહ્યું હતું કે, સરહદો બે દેશો વચ્ચેની 'દિવાલો' ન બની શકે. આજે મેં અને નેપાળના વડાપ્રધાને ઘણાંએ મહત્ત્વના નિર્ણયો લઈ અમારી ભાગીદારીને 'સુપરહીટ' બનાવવા નિર્ણય કર્યો છે અને અમે ભારત નેપાળ સંબંધો હિમાલયની ઉંચાઈ સુધી લઈ જવા માંગીએ છીએ. ગત વર્ષના ડીસેમ્બરમાં સત્તા ગ્રહણ કર્યા પછી 'પ્રચંડ'ની આ પહેલી જ વિદેશ યાત્રા છે આમ કહેતાં પુષ્પકમલ દહલે પત્રકારોને જણાવ્યું હતું કે, મેં વડાપ્રધાન મોદીને નેપાળની મુલાકાત લેવા ભાવભીનું આમંત્રણ આપ્યું છે જે તેઓએ સ્વીકાર્યું પણ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત નેપાળ વચ્ચે થયેલા કરારોમાં સૌથી વધુ મહત્ત્વ વિદ્યુત ક્ષેત્રને અપાયું છે. અત્યારે જ ભારત-નેપાળ પાસેથી 450 મેગાવોટ વિદ્યુત ખરીદે છે જે ખરીદી વધવાની પણ છે. બીજી તરફ ભારત નેપાળમાં વિશાળ અરૂણ-3 હાઇડ્રો-પાવર પ્રોજેક્ટ રચી રહ્યું છે. તેમજ ગોરખપુર- નેપાળ 400 કી.વો.ની ક્રોસ બોર્ડરલાઇન રચવાની છે. તેમજ નેપાળ-ગંજ-રૂવૈદીહા તેમજ ભૈરવાહ-સુનાવી ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ રચવા પણ બંને નેતાઓ સંમંત થયા છે.
વાસ્તવમાં ચીને ભારત- નેપાળ વચ્ચે ફાંસ પાડવા ઘણા પ્રયત્નો કર્યા હતા તે પૈકી સૌથી ગંભીર પ્રશ્ન ચીને કાવી-ગંગા નદીને બંને દેશો વચ્ચેની સરહદ તરીકે નહી સ્વીકારવા પૂર્વ વડાપ્રધન દેઉવાના મનમાં ઠસાવી દીધું હતું પરંતુ આખરે તેમનો સૈકાઓથી ચાલી આવેલી તે 'સરહદ'ને સ્વીકારી હતી. વળી નેપાળ જાણે જ છે કે, વ્યાપાર વાણિજ્યની દ્રષ્ટિએ ભારત જ સૌથી વધુ મહત્ત્વનું છે.
હિમાલય ઓળંગી તિબેટ સાથે કેટલો વ્યાપાર થઈ શકે વળી ત્યાં માલની આયાત પણ કેટલી થાય ત્યાંથી માલ-સામાન પણ કેટલો આવે તેમાં પણ હિમાલયનો પાડશીનો જ તેના ઘાટોરમાંથી કેવી રીતે આવ-જા થઈ શકે જેથી નેપાળને તેની આયાત-નિકાસ માટે કૉલકતા જ એકમાત્ર બંદર છે ભારત તે માર્ગ બંધ કરે તો નેપાળને તેની નિકાસ અને વ્યાપાર તદ્દન રૂંધાઈ જાય તેમાં ચીન કઈ રીતે સાથ આપી શકે ? માટે ચીનના અનેક પ્રયત્નો ભારત નેપાળ વચ્ચે ફાંસ પાડવાના નિષ્ફળ જ ગયા છે તે નિર્વિવાદ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500