લોકસભા ચૂંટણી 2024ની તારીખો માર્ચ મહિનામાં જાહેર થઈ શકે છે. દરમિયાન, ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપવા માટેની બેઠક શુક્રવાર (1 માર્ચ) ની વહેલી સવારે સમાપ્ત થઈ.આ બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે આજે મોડે મોડે જ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. ભાજપની સંભવિત પ્રથમ યાદીમાં ઘણા મોટા નામોની જાહેરાત થઈ શકે છે. આ ઉમેદવારોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સુધીના નામો પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
ભાજપની આ બેઠકમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ બેઠકમાં ચૂંટણી પંચે લોકસભાની 543 બેઠકોની તારીખો જાહેર કરે તે પહેલા જ તેના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઘણી બેઠકો પર નિર્ણયો પણ લેવાયા છે.શુક્રવાર (1 માર્ચ)ના રોજ 100 થી 150 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.
તો બીજી બાજુ ગુજરાતમાં સુરતમાં ભાજપ કોને ટીકીટ આપશે તેના નામોની ચર્ચા થઈ રહી છે. સુરતની કુલ પાંચ સીટ છે જેમાંથી એક માત્ર દર્શના જરદશોને જ ભાજપ રીપીટ કરે તેવી શક્યતા છે. બાકી બીજી ચાર સીટ પર નવા ચહેરાને તક આપી શકે છે. આ ચાર સીટ પર જેના નામની ચર્ચ છે તેમાં હેમાલી મોધાવાળા, નીતિન ભજીયાવાલા, ડો. જગદીશ પટેલ અને મુકેશ દલાલના નામની ચર્ચા છે. ગુજરાતની 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંગઠન મહામંત્રી રત્નાકરે દિલ્લી જઈ દાવેદારોનું પોટલું ખોલ્યું છે.
ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સી.આર.પાટીલનું ફરીથી ચૂંટણી લડવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. તો 18 સાંસદને ઘરે બેસવાનો વારો આવી શકે છે.. વિધાનસભા 2022 અને રાજ્યસભા ચૂંટણીની જેમ લોકસભા 2024માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી સંગઠનમાં સ્થાનિક સ્તરે જેના નામની ચર્ચા જ ન હોય તેવા યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરીને સૌને ચોંકાવી શકે છે. તો 26 પૈકી 8 બેઠક પર ઉમેદવાર રિપીટ કરી શકે છે. જ્યારે 18 બેઠક પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે. ગાંધીનગર સિવાયની મધ્ય ગુજરાતની ચાર લોકસભા બેઠક અને અમદાવાદની બે લોકસભા બેઠક પર પણ ભાજપ નવા ચહેરાને મેદાને ઉતારી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500