સુરત મ્યુનિના કતારગામ ઝોનમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આજે પાળાની બાજુના 10 મીટરના રોડ માટેની જગ્યા પરના વર્ષો જુના દબાણ દુર કરવામાં આવ્યા હતા. પશુપાલકો દ્વારા દબાણ દુર કરવાની કામગીરી સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકાએ બંદોબસ્તની મદદથી દબાણ દુર કરી દીધા હતા. આ જગ્યા પર ફરીથી દબાણ ન થાય તે માટે પાલિકાએ રોડ બનાવવા માટેના રોડના અંદાજ મંજુર કરવા માટેની કવાયત શરૂ કરી દીધી હતી.
સુરતના કતારગામ ઝોનમાં તાપી નદીના પાળાની બાજુમાં 10 મીટરના રોડ પર વર્ષોથી પશુપાલકોના દબાણ હતા. આ રોડ પર પશુપાલકો દ્વારા તબેલા બનાવવામાં આવ્યા હતા. કતારગામ ઝોનમાં આ વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ આ વિસ્તારમાં અમરોલી તરફ જતા રત્નમાળા વિસ્તારમાં વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે લોકોની ટ્રાફિકની સમસ્યા અંગે સ્થાયી સમિતિના સભ્ય દક્ષેશ માવાણીએ રજુઆત કરતાં કહ્યું હતું કે, તાપી નદીના પાળાની બાજુમાંથી પાલિકાના રોડ માટેની જગ્યા છે.
તેના પર વર્ષો જુના દબાણ છે તે દબાણ જો હટાવવામાં આવે તો પાળાને પેરેલલ રોડ નીકળશે અને રત્નમાળા વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા છે તે મહદ અંશે ઉકેલ આવી શકે તેમ છે. જેથી એક મહિના પહેલા કરવામાં આવેલી આ રજુઆત બાદ આજે કતારગામ ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કતારગામ-અમરોલી વચ્ચે તાપી નદીના પાળાની બાજુમાં રોડ છે તેના પર દબાણ છે તેને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ દુર કરવા માટેની કામગીરી શરૂ કરાતા પશુપાલકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
પરંતુ પાલિકાએ સિક્યુરીટી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ડિમોલીશન કરવા સાથે પાલિકાએ આ જગ્યાએ રોડ બનાવવા માટેની કામગીરી માટે અંદાજ બનાવવા માટે કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500