Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકાની દિગ્ગજ મોર્ગેજ કંપની ‘ફેની મે’એ છેતરપિંડીનો આરોપ લગાવી 700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

  • April 17, 2025 

અમેરિકાની દિગ્ગજ મોર્ગેજ કંપની ‘ફેની મે’એ 9 અને 10 એપ્રિલના રોજ છેતરપિંડીનો આરોપ લગાવીને 700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે, જેમાંના 200 ભારતીયો છે અને એ 200માંના મોટાભાગના તેલુગુ ભાષી છે. કર્મચારીઓએ તેલુગુ સંગઠનો સાથે સહયોગ કરીને કંપનીના ‘મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામ’નો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે. ફેની મેએ તેના પુનર્ગઠન પ્રયાસોના ભાગ રૂપે આ છટણી નૈતિક ધોરણોને આધારે કરી હોવાનું જણાવ્યું હતું. ફેની મે (ફેડરલ નેશનલ મોર્ટગેજ એસોસિએશન) એ અમેરિકન સરકાર દ્વારા પ્રાયોજિત કંપની છે. એની સ્થાપના 1968 માં કરવામાં આવી હતી.  ‘મેચિંગ ગ્રાન્ટ’ એ ભંડોળનો એક એવો પ્રકાર છે, જેમાં દાતા અમુક-તમુક પ્રોજેક્ટ માટે દાન આપવા સંમત થાય છે.


પરંતુ માત્ર ત્યારે જ જો અરજદાર વ્યક્તિ અથવા સંસ્થા પણ તે પ્રોજેક્ટ માટે ભંડોળનું યોગદાન આપે. ઉદાહરણ લઈને સમજીએ તો, ધારોકે તમે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ભણાવવા માટે અભ્યાસ વર્ગ ચલાવવા માંગો છો. એ માટે જે ખર્ચ થાય એનો એક હિસ્સો તમે ફાળવો અને એને અનુરૂપ બાકીનો હિસ્સો બીજી કોઈ વ્યક્તિ કે સંસ્થા ફાળવે તો એ રીતે મળેલું દાન ‘મેચિંગ ગ્રાન્ટ’ કહેવાય. એનો હિસ્સો વન-ટુ-વન (એટલે કે બંને પક્ષે એકસમાન ફાળો આપવો), ટુ-ટુ-વન (બે ભાગ સંસ્થાના અને એક ભાગ અરજદારનો) કે પછી થ્રી-ટુ-વન (ત્રણ ભાગ સંસ્થાના અને એક ભાગ અરજદારનો) પણ હોઈ શકે. મેચિંગ ગ્રાન્ટ્સનો ઉપયોગ મુખ્યત્વે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સેવાઓ માટે થતો હોય છે. ફેની મે દ્વારા કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓએ આવી મેચિંગ ગ્રાન્ટમાં જ ધાંધલી કરી હોવાના આરોપ લગાવાયા છે.


‘મેચિંગ ગ્રાન્ટ’ પ્રોગ્રામનો દુરુપયોગ કરીને નાણાં હડપ કરવાને ઈરાદે કંપની પાસેથી ખોટી રીતે દાન કઢાવવામાં આવ્યું હતું. ભંડોળનો દુરુપયોગ કરવા માટે ‘તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા’ (TANA) સાથે સાંઠગાંઠ કરવામાં આવી હતી. છૂટા કરાયેલા કર્મચારીઓમાંથી એક TANA ખાતે પ્રાદેશિક ઉપપ્રમુખ તરીકે કાર્યરત હોવાનું કહેવાય છે, જ્યારે બીજો એક ‘અમેરિકન તેલુગુ એસોસિએશન’ (ATA) ના ભૂતપૂર્વ પ્રમુખના જીવનસાથી છે. આ બે ઉપરાંત અન્ય સંગઠનો પણ આ કાંડમાં સંડોવાયેલા છે અને તેમની સામે તપાસ ચાલી રહી છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યના ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન સુહાસ સુબ્રમણ્યમે ફેની મે પાસેથી આ મુદ્દે સ્પષ્ટતા માંગી છે. તેમનું કહેવું છે કે, ફેની મેએ સંપૂર્ણ તપાસ કર્યા વિના અને પુરાવા આપ્યા વિના જ ભારતીય અને અમેરિકન સમુદાયના કર્મચારીઓને કાઢી મૂક્યા છે. ‘તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા’ અગાઉ પણ આવા જ આરોપનો સામનો કરી ચૂક્યું છે.


ડિસેમ્બર 2024 માં કેલિફોર્નિયાની કોર્ટે TANA ને ગ્રાન્ડ જ્યુરી સમક્ષ જુબાની આપવા માટેનું સમન્સ જારી કર્યું હતું. એ કેસમાં વર્ષ 2019 થી 2024 સુધી પ્રાપ્ત થયેલા દાનની રકમ, ખર્ચ કરાયેલ રકમ અને પ્રતિનિધિઓની વિગતોનો રેકોર્ડ માંગવામાં આવ્યો હતો. સખાવત સંબંધિત કાર્યક્રમોમાંથી ઉચાપત કરવાની વાત અમેરિકામાં નવી નથી. આ વર્ષની શરૂઆતમાં ટેક-કંપની એપલના કર્મચારીઓ સામે પણ આવા જ આરોપો લગાવવામાં આવ્યા હતા. કલ્યાણકારી યોજનાઓનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી માટે કરવા બદલ એપલ દ્વારા 100 થી વધુ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ દાન આપવાનો ઢોંગ કરીને પછી એ દાન પરત મેળવી લેતા હતા, જેથી દાન કરાયેલી રકમ પર સરકારને આપવાનો થતો ટેક્સ બચાવી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application