Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરનાથ યાત્રા : કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાનીની પવિત્ર ગુફા માટે રવાના

  • June 30, 2023 

અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાનીની પવિત્ર ગુફા માટે રવાના થઈ ગઈ છે. ડેપ્યુટી ગવર્નર અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ આજે સવારે લગભગ 4.15 વાગ્યે પ્રથમ ટુકનીને ફ્લેગ ઓફ કરી હતી. આ દરમિયાન બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે ભોલેના રંગે રંગાઈ ગયો હતો. ભક્તોએ ભોલેના મંત્રોચ્ચાર કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો તેમજ કડક સુરક્ષા વચ્ચે વાહનોના કાફલાને કાશ્મીર રવાના કરવામાં આવ્યો હતો. જયારે ગતરોજ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગર પહોંચ્યો હતો. યાત્રા દરમિયાન ભૂસ્ખલનની સંભાવનાવાળી જગ્યાઓ પરથી પસાર થતી વખતે પત્થરોથી બચવા માટે પ્રથમ વખત હેલ્મેટ આપવામાં આવી રહી છે.



ભક્તો આવતીકાલે પરંપરાગત બાલતાલ અને પહેલગામ માર્ગે પવિત્ર ગુફા તરફ આગળ વધશે. બાલતાલ રૂટથી જતી ટુકડી હિમલિંગની મુલાકાત લીધા બાદ આવતીકાલે જ પરત ફરશે. અમરનાથ યાત્રા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો અને ગતરોજ વહેલી સવારે જ તાત્કાલિક નોંધણી માટે મોટી સંખ્યામાં ભક્તો રેલ્વે સ્ટેશન જમ્મુ નજીક સરસ્વતી ધામ પહોંચ્યા હતા. અહીં બાલતાલ રૂટ માટે 2189 ટોકન ઈશ્યુ કરવામાં આવ્યા હતા જ્યારે પહેલગામ રૂટ માટે આજે ટોકન ઈશ્યુ કરવાનું કહેવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન નજીક આવેલા વૈષ્ણવી ધામ ખાતે ટોકન બાદ 141 મુસાફરોની તાત્કાલિક નોંધણી કરવામાં આવી હતી. અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.



જમ્મુ અને કાશ્મીરના પ્રવેશદ્વાર લખનપુરથી કાશ્મીર સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ વર્ષે યાત્રામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ગત વર્ષે 44 દિવસની યાત્રામાં લગભગ 20 દિવસ ખરાબ હવામાનને કારણે પ્રવાસને ઘણી અસર થઈ હતી. આ વખતે સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો, જેઓ પર્વતીય યુદ્ધની તાલીમ લે છે, તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને બદલે ગુફા મંદિરમાં તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે ITBP અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ લગભગ અડધો ડઝન કેમ્પની સુરક્ષા માટે તૈનાત કરાશે, જે અગાઉ દેશના પ્રાથમિક આંતરિક સુરક્ષા દળ CRPF દ્વારા રક્ષિત હતા. CRPF હજુ પણ ગુફા મંદિરના પગથિયાં નીચે તૈનાત રહેશે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર, નવી વ્યવસ્થા "ઉભરતા સુરક્ષા જોખમો અને પડકારોને" ધ્યાનમાં રાખીને અને "જમ્મુ અને કાશ્મીર પોલીસની જરૂરિયાતો" અનુસાર કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News